Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

ધ્રાંગધ્રામાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયોઃ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓનો દરોડો

એજન્ટ મારફત કામ કરતો હતો

ધ્રાંગધ્રાઃ  ધ્રાંગધ્રામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા અને અગાઉ પણ ગર્ભ પરીક્ષણ સહિતના મામલે ચર્ચાસ્પદ બનેલ તબીબને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવવા સબબ ઝડપી લીધો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલા તની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાવતો હોવાની માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી પી.કે. પરમાર તથા સ્ટાફે છટકુ ગોઠવ્યુ હતુ અને એક મહિલાને તૈયાર કરી તબીબ પ્રજ્ઞેશ ખેડાવાલાની હોસ્પિટલે ગર્ભ પરીક્ષણ માટે મોકલવામા આવી હતી. આથી તબીબ  પ્રજ્ઞેશ ખેડાવાલાએ તેના એજન્ટને મળી લેવાની વાતચીત કરી હતી અને એજન્ટે રૂ. રર હજાર નકકી કરી ગર્ભ પરીક્ષણ માટેનો સમય નકકી કરી મહિલાને ગર્ભ પરીક્ષણ માટે બોલાવવામાં આવી હતી.

બાદમાં  પ્રજ્ઞેશ ખેડાવાલા દ્વારા મહિલાનું ગર્ભ પરીક્ષણ કરવામા આવ્યુ હતુ ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફે દરોડો પાડી તબીબ  પ્રજ્ઞેશ ખેડાવાલાને ઝડપી લીધો હતો. અને હોસ્પિટલમા પરીક્ષણ મશીનને સીલ મારી દેવામા આવ્યુ હતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ તબીબ  પ્રજ્ઞેશ ખેડાવાલા એક વર્ષ પહેલા પરપ્રાંંતીય મહીલાની ડીલીવરી કરાવ્યા બાદ જન્મ થયેલા જીવીત બાળકને મૃત જાહેર કરી બાળકને પોતાના કબજામા રાખ્યાના મામલે ફસાઇ ચુકયો છે તેમજ ઘણા સમયથી એજન્ટ મારફત આ કારોબાર ચલાવમા આવતો હતો. આરોગ્ય અધિકારી તથા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:15 pm IST)