Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ભાવનગરમાં ૧૦ ઓફીસોમાં ત્રણ દિ' ઓપરેશન પાર પાડીને જીએસટીનું ૧૦૦ કરોડના બોગસ બિલીંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ

 

ભાવનગર : રાજયભરમાં બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે. ત્યારે ભાવનગર માંથી પણ ૧૦૦ કરોડનાં બોગસ બિલ્ડીંગનાં મસમોટા કૌભાંડનો પદાર્ફાશ થયો છે. (તસ્વીર - મેઘના વિપુલ હીરાણી, ભાવનગર)

ભાવનગર તા. રર :.. રાજયની સાથો સાથ ભાવનગરમાં પણ બોગસ બિલીંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ જી. એસ. ટી. એ. શહેરની પાંચ પેઢીઓની ૧૦ ઓફીસોમાં ત્રણ દિવસ સફળ ઓપરેશન કરી રૂ. ૧૦૦ કરોડનાં બોગસ બીલીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને ૩૦ બેંકોનાં ૩પ એકાઉન્ટમાં કરોડોનાં વ્યવહારો મળી આવતાં તમામ ખાતા સીઝ કર્યા છે.

બોગસ બિલીંગનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે. નવા જીએસટી અંતર્ગત ભાવનગરની પાંચ પેઢીએ માત્ર ત્રણ-ચાર માસનાં ટુંકાગાળામાં જ બોગસ ઇ. વે. બીલીંગ કાંડ આચરી રૂ. ૧૦૦ કરોડ જેવી માતબર રકમનું ટ્રાન્જેકશન કૌભાંડ કર્યાનું બહાર આવતાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. સ્ટેટ જીએસટી તંત્રનાં  અધિકારીઓની તપાસમાં પાંચ પેઢીનાં સંચાલકોનો અલગ અલગ ૩૦ બેંકોમાં ૩પ એકાઉન્ટ મળી આવ્યા હતાં. જે તમામ ખાતાઓ તાબડતોબ સીઝ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

મળતી વિગતો મુજબ મુળ ભાવનગરની પાંચ વેપારી પેઢીની ભાવનગર, વાપી, આણંદ, રાજકોટ સ્થિત વિવિધ ૧૦ સ્થળોએ ૩૦ અધિકારીઓની ટીમ દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં શિહોરની કવા એન્ટરપ્રાઇઝ પેઢીએ આશીષ તુલસીદાસ કણજરીયાના નામે રાજકોટથી જીએસટી નંબર લીધો હતો. અલંગની પુષ્પક એન્ટપ્રાઇઝના તુષાર કિશોરભાઇ સોલંકીએ ભાવનગરથી જીએસટી નંબર લીધો હતો. આદિતય એન્ટરપ્રાઇઝના ચિન્મય અશોકભાઇ લંગાળીયાના નામે જીએસટી નંબર લેવાયો હતો. પી.બી. ટ્રેડર્સ પેઢી માટે પરાગ સુરેશભાઇ બુસાના નામે નંબર મેળવાયો હતો. આ તમામ પેઢીઓના એકાઉન્ટમાં કરોડોના બોગસ વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે.

રૂ. ૧૦૦ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ માત્ર છેલ્લા ત્રણ-ચાર માસમાં જ થયું છે. આ કૌભાંડમાં હજુ વધુ વેપારી પેઢી પણ સંડોવાયેલ હોવાની આશંકા નકારી શકાતી નથી.

રૂ. ૧૦૦ કરોડના ટ્રાન્જેકશનની ચોરીમાં ૧૮ ટકા લેખે રકમ  ચોરી સહિત તેના પરનો દંડની રકમ ઉમેરાતા દંડનો આંક ૩પ કરોડ થશે. આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.

ભાવનગરમાંથી બોગસ બીલીંગ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ જીએસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં પોલીસ ફરીયાદની કાર્યવાહી  હાથ ધરાશે તેવું જાણવા મળેલ છે.  (પ-૧૭)

(12:15 pm IST)