Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગાંધીધામમાં ધાર્મિકતાની આડમાં ૬ દુકાનોમાં યંત્ર મટકાનો ગોરખધંધો ઝડપાયો

ભુજ, તા.રર :  કચ્છમાં પોલીસે પ્રથમ જ વાર યંત્ર મટકાનો જુગાર ઝડપી પાડ્યો છે. ધાર્મિક વસ્તુઓ, ધાર્મિક નિશાની વાળા યંત્રો અને ફેંગસુઇની વસ્તુઓને નામે આવો ગોરખધંધો ચાલતો હતો. ડીવાયએસપી રાધિકા બારાઈએ આપેલી વિગતો પ્રમાણે પોલીસે ડમી ગ્રાહકોને મોકલીને એચ.એસ. માર્કેટિંગ દ્વારા એક સોફ્ટવેર મારફતે કોમ્પ્યુટરમાં ઓનલાઈન યંત્ર નીચે લખેલા ૧ થી ૧૦ આંકડાઓ ઉપર ખેલીઓ દ્વારા રૂપિયા લગાડીને ખેલાતો જુગાર જેમાં ૧૦ રૂપિયાના ૧૦૦ રૂપિયા આપવાનું આખું ષડયંત્ર ઝડપી પાડ્યું હતું. આ સિવાય પોલીસે અહીં દુકાનોમાં આવતા ગ્રાહકોનું ઓડિયો વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ સમગ્ર મોડ્સ ઓપરેન્ડી માં અગાઉ એક કિસ્સામાં હાઇકોર્ટ માં અપીલ થઈ હતી અને ધાર્મિક દુકાનો હોવાની દલીલ થઈ હતી, જે કિસ્સામાં હાઇકોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાયો હતો. આ મનાઇહુકમ દુકાનદારો દ્વારા પોતાની દુકાનોમાં લખીને પોલીસને તપાસ કરવાની મનાઈ પણ ફરમાવાઈ હતી. જોકે, આઈજી ડી.બી. વાદ્યેલા તેમ જ પૂર્વ કચ્છમાં ડીએસપી પરીક્ષિતા રાઠોડે આ બાબતે આપેલા માર્ગદર્શન અનુસાર ગાંધીધામ એ અને બી ડિવિઝનના પીઆઇ ડી.બી. પરમાર, જે.પી. જાડેજા, આદિપુરના પીએસઆઇ બી.ડી. ઝીલરીયાએ અગાઉથી જ રેકોર્ડિંગ અને ડમી ગ્રાહકો સાથે આ દરોડા પાર પાડ્યા હતા. જેમાં આદિપુરમાં ૪ જગ્યાએ તેમ જ ગાંધીધામના ઓસ્લો સર્કલ, સરદાર પટેલ સ્ટેચ્યુ એમ કુલ ૬ જગ્યાએ દરોડા પાડી ૯ શખ્સોને ૫૮ હજાર ની રકમ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધાર રજનીકાંત ગણાત્રા ઉર્ફે મુન્નો ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભુજમાં પણ ચકલા પોપટના નામે આવો જુગાર રમાઈ રહ્યો છે.

(4:14 pm IST)