Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સોમનાથ મંદિરના ૧પ૦૦થી વધુ કળશને સોનાથી મઢી દેવાશે

દાતાઓ તરફથી ૧૪૦ કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું

અમદાવાદ તા. રર :.. દેશના પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પરના ૧પ૦૦ થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડિત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહયો છે. સોમનાથનો ફરી સુવર્ણ યુગ શરૂ થયો છે અને ધીમે ધીમે સોમનાથ મંદિર ફરી સોનાનું બની રહયું છે. સોમનાથ મંદિર સોમનાથ મંદિરનાં ઘુમ્મટ પર ૧પ૦૦ કળશ છે.

સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટુંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો અંદાજ છે. સોમનાથ મંદિરના ઘુમ્મટ પર ૧પ૦૦ કળશ છે. આ ૧પ૦૦ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના ૧પ૦૦ જેટલા કળશને સુવર્ણ મઢીત કરવા માટે જે સોનાની જરૂર હતી. તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ ર૧,૦૦૦ થી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે.

અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે ૧૪૦ કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાથી મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇના લખી પરિવારે ભુતકાળમાં ૧૧૦ કિલો સોનું સોમનાથ મહાદેવને દાન આપ્યું. જેમાંથી મંદિરના ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરું, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ત્યારે વધારે એક મંદિરનો ભાગ હવે સુવર્ણ જડિત થવા જઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા રર૦૦ થી રપ૦૦ યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપી રહ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

(3:48 pm IST)