Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ભાણવડમાં રસ્તા પર રેઢીયાર ઢોરોના ઠેર ઠેર અડિંગા પ્રજા માટે ખતરારૂપ !!!

પ્રજા છાશવારે આખલાઓનો ભોગ બને છે છતાં પાલિકાતંત્ર ''ખસીકરણ'' માટે ભંડોળ હોવાનું જ રટણ

ભાણવડ તા ૨૨  :  ભાણવડમાં રેઢિયાર ઢોરોની અને આખલા યુધ્ધની સમસ્યા પ્રજા માટે જીવલેણ બની ગઇ હોવા છતાં નિંભર અને સંવેદનહિન પાલિકાતંત્ર અને તેના વાહકો ભંડોળનો પ્રશ્ન આગળ ધરી શહેરીજનોની જીંદગી સાથે ખેલ ખેલી રહયા છે.

શહેરના સાંકડા અને મુખ્ય માર્ગો પર જયાં નજર કરો ત્યાં રેઢિયાર ઢોરોના અડિંગા નજરે પડે છે તો અવારનવાર ખેલાતા આખલા યુધ્ધને કારણે લોકો ઝપટે ચડી રહયા છે અને કેટલાય કિસ્સાઓમાં તો લોકો એ પોતાના જીવ ગુમાવવાની નોબત પણ આવી ચુકી છે, તેમ છતા વર્ષો જુની સમસ્યા ઉકેલવા માટે પાલિકાતંત્ર પાસે એક જ ઉતર મળે છે કે ભંડોળ નથી !!! લોકોની અનેક રજુઆતો પાલિકામાં ધુળ ખાઇ રહી છે, એટલું જ નહીં આજથી એકાદ વર્ષ પહેલા આ મુદ્દે ઉપવાસ આંદોલન પણ કરવામાં આવેલ, જેમાં પાલિકાના વિપક્ષી સભ્યો સાથે શહેરના જાગૃત નાગરીકો જાડાયા હતા.

તે વખતના ચિફ ઓફીસર અને મામલતદાર ઉપવાસ છાવણીએ આવી એક મહિનામાં રેઢિયાર ઢોરોના ખસીકરણની કાર્યવાહી કરવામાં આવશે, એ મુજબની ખાતરી આપી પારણા કરાવી ગયા હતા, પરંતુ ટેન્ડર પ્રક્રિયા કરી ભાવ મંગાવી લીધા બાદ ભંડોળનો મુદ્દો આગળ ધરી આ પ્રકરણ પર પડદો પાડી દીધો હતો અને સમય જતાં વિપક્ષો પણ આ પ્રશ્નને વિસરી જતા  શહેરીજનોની  જીવલેણ સમસ્યા જેમની તેમ જ રહી અને આ દરમ્યાન વારંવાર લોકો રેઢિયાર ઢોરોનો ભોગ બનતા આવ્યા છે, પરંતુ સત્તાધિશો કે ચિફ ઓફીસર કોઇને આ સમસ્યા ગંભીર ન લાગતી હોય તેમ નિરાકરણ માટે સહેજ પણ ઇચ્છાશકિત દાખવી રહયા નથી.

આ મુદ્દે હવે શહેરીજનો જ જાગે અને પાલિકા સામે લડત ચલાવે એ ખુબ જ જરૂરી થઇ ગયું છે. રેઢિયાર ઢોરોને કારણે કોઇ પોતાનું સ્વજન ગંભીર ઇજા પામે કે જાનથી હાથ ધોવા પડે એ પહેલા આ નિંભર પાલિકાતંત્રની આંખો ખોલવી આવશ્યક બની ગઇ છે.

(11:23 am IST)