Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પડધરીના ધ્રોકડીયાના શૈલેષે રાજકોટ બહેનના ઘર પાસે ઝેર પી લીધું: મોત

વીસેક દિવસથી મગજ ભમતો હોઇ ગમે ત્યાં હરતો-ફરતો રહેતો'તોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: પડધરીના ધ્રોકડીયા ગામે રહેતાં શૈલેષભાઇ આલાભાઇ મુછડીયા (ઉ.૩૫) નામના વણકર યુવાને સાંજે રાજકોટ પરા પીપળીયા ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતાં પોતાના બહેન ગીતાબેન વિનોદભાઇ ગોહેલના ઘર નજીક રોડ પર ઝેર પી લેતાં ઉલ્ટીઓ કરતો હોઇ બહેનને જાણ થતાં તેણે તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ શૈલેષભાઇએ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. સ્વજનોના કહેવા મુજબ શૈલેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. કેટલાક દિવસથી તેનો મગજ ભમતો હોઇ કામધંધો પણ કરી શકતો નહોતો અને વીસેક દિવસથી ઘરેથી નીકળી જઇ ગમે ત્યાં આટાફેરા કરતો રહેતો હતો. ગત સાંજે રાજકોટ બહેનના ઘરે આવ્યો હતો અને નીકળી ગયા બાદ ફરીથી બહેનના ઘર પાસે આવી ઝેર પી લીધું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:21 am IST)