Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બોટાદમાં પેકેજબંધ પીવાના પાણી નિર્માતાને ત્યાં માનક બ્યુરોના દરોડા

મારૂતી બેવરેજીસમાં તપાસ હાથ ધરાતા લાઇસન્સ વગર આઇએસઆઇ માર્કાનો ઉપયોગ થતો હોવાનું જણાયુ

રાજકોટ તા. ૨૨ : બ્યુરો લાયસન્સ વગર પીવાના પાણી ઉત્પાદન, પેકીંગ અને આઇએસઆઇ માર્કાના ઉપયોગની મળેલ માહીતીના આધારે ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા તાજેતરમાં બોટાદના લક્ષ્મીનગર રેલ્વે ક્રોસીંગ પાસે આવેલ મારૂતી બેવરેજીસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન મોટી માત્રામાં ભારતીય માનક બ્યુરોના માર્કાનો દુરઉપયોગ થયેલો જોવા મળતા સાક્ષીના રૂપમાં આઇએસઆઇ માર્કવાળા ર૦૦ મીલીના ૪૦ પાઉચના ૩૦૦ બેગ અને ૪૮ પાઉચના ૫૦૦ બેગ પોલીથીલીનના ફિલ્મના ર રોલ કબ્જે લેવાયા હતા.

કંપની પાસે ભારતીય માનક બ્યુરો આઇએસઆઇ માર્કનો પ્રયોગ કરવાનું કોઇ લાઇસન્સ નહોતુ. પેકેજબંધ પીવાનું પાણી ભારત સરકાર દ્વારા અધિસુચિત અનિવાર્ય પ્રમાણના અંતર્ગત આવે છે. જે મુજબ કોઇ વ્યકિત ભારતીય માનક બ્યુરોના માનક માર્ક આઇએસઆઇના લાયસન્સ વિના આ વસ્તુના ઉત્પાદન કરી ન શકે. બ્યુરોની પરવાનગી વગર માનક માર્કનો પ્રયોગ કરનાર સામે પણ નિયમ ભંગની કાર્યવાહી થઇ શકે છે.  આ અપરાધ દંડનીય હોય છે. જેમાં બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ.૨ લાખના આર્થિક દંડ અથવા બન્ને સજાપાત્ર છે. તેમ માનક બ્યુરો કચેરીના શ્રી એસ. કે. સિંહ (મો.૯૭૨૭૨ ૪૫૫૦૩) ની યાદીમાં જણાવાયુ છે.

(11:18 am IST)