Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગારીયાધાર પાલિકાના પ્રમુખને ગેરરીતિ બાબતે શો-કોઝ નોટીસઃ ત્રીજીએ ખુલાસો કરવાનો હૂકમ

ગારીયાધાર તા. રર :.. નગરપાલીકા કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ પક્ષ દ્વારા થઇ રહેલી ભ્રષ્ટ્રાચાર બાબતે કેટલાક મુદાઓ પર નિયામક કમિશનર પાસે આધાર-પુરાવાઓ સાથે તપાસની માંગો ઉચ્ચારાઇ હતી.

જે બાબતે ગારીયાધાર ન.પા. કચેરીના વિરોધ પક્ષના ૧૪ કોંગ્રેસના સદસ્યો દ્વારા ન.પા. દ્વારા ખરીદવામાં આવતી સ્ટ્રીટ લાઇટોના માલ સામાનમાં થતા ભ્રષ્ટ્રાચાર મામલે પ્રમુખ-ઉપપ્રમુખ સામે ર૦૧૮ માં તપાસની માંગ નિયામક કમિશનર પાસે કરવામાં આવી હતી.

જેમાં ન.પા. સ્ટ્રીટ લાઇટના માલ સામાનની ખરીદી માટે ૯-પ-૧૮ ના રોજ ટેન્ડર ખોલવામાં આવેલ હતા જે ટેન્ડરમાં સૌથી નિચા ભાવો કલ્પના ઇલેકટ્રીક સ્ટોર ગારીયાધારના આવવા છતાં પ્રમુખ દ્વારા નગરપાલિકાના નિયમ વિરૂધ્ધ જઇ ટેન્ડર રદ કરી દેવામાં આવેલ.

જે કામે ન.પા. પ્રમુખ દ્વારા ર૧-૮-૧૮ ના રોજ હુકમ કરી અગાઉ મંજૂર થયેલા ભાવો મુજબ શુભકારી ટ્રેડર્સ ગારીયાધાર પાસેથી સ્ટ્રીટ લાઇટના માલસામાનની ખરીદી કરી અમલમાં લાવવ ન.પા. નિયમ વિરૂધ્ધ જઇ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ટેન્ડર મુજબ નીચા ભાવની એજન્સીને કામ ન આપી બીજી એજન્સીને કામનો હુકમ કરી નગરપાલિકાના ફંડને નુકસાન કરેલ છે.

ઉપરોકત માલ સામાનની ખરીદી અને ચુકવવામાં આવેલી રકમ નિયામક કમિશનર દ્વારા કાર્યપાલક ઇજનેર ટેકનીકલ શાખાના અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી તપાસના અહેવાલો મુજબ ન.પા. પ્રમુખ ગીતાબેન એસ. વાઘેલા, ન.પા.ને આર્થિક નુકશાની થયેલ હોવાથી ગુજરાત ન.પા.ના અધિનીયમ ૧૯૬૩ ની કલમ ૭૦(ર) મુજબ તેમની જવાબદારી નકકી કરી નુકશાની રકમ વસુલાત માટે શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.

(11:15 am IST)