Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર વિદ્યાર્થીનીઓ સામે અભદ્ર ભાષા બોલતા હોવાની અને વિદ્યાર્થીઓને ધાકધમકી કરતા હોવાની ફરિયાદથી ચકચાર

શિક્ષણ જગતમાં હલચલ, કુલપતિ દર્શનાબેન ધોળકીયા સમક્ષ સમાજશાસ્ત્રના પ્રોફેસર જયદેવસિંહ રાયજાદા વિરુદ્ઘ વિધાર્થીઓની લેખિત રજૂઆતને પગલે ગરમાવો

ભુજ, તા.૨૨: કચ્છના શિક્ષણ જગતમાં હલચલ મચાવતી ફરિયાદ કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને કરાઈ છે. સમાજશાસ્ત્રના એમએ ના સેમિસ્ટર ૧ અને ૩ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમ જ વિદ્યાર્થીનીઓએ કુલપતિ ડો. દર્શનાબેન ધોળકીયા સમક્ષ લેખિત રજુઆત કરતાં સમાજશાસ્ત્રના પ્રોફેસર જયદેવસિંહ રાયજાદા વિરુદ્ઘ ગંભીર આક્ષેપો કર્યા છે. પોતે મુખ્યમંત્રી કે શિક્ષણમંત્રીથી ડરતા નહીં હોવાની શેખી મારતા પ્રો. જયદેવસિંહ રાયજાદા વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપે યુનિવર્સિટીમાં ખળભળાટ સજર્યો છે. તો, પ્રોફેસર રાયજાદા વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીમાં દાટી દેવાની, જેલમાં પુરાવી દેવાની ધાક ધમકી આપતા હોવાનું અને ઇન્ટરનલ પરીક્ષામાં ફેલ કરવાની, એડમિશન કેન્સલ કરવાની બીક છાત્રોને બતાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કુલપતિ ડો. દર્શનાબેન ધોળકીયાએ પ્રોફેસર જયદેવસિંહ રાયજાદા વિરુદ્ઘ વિદ્યાર્થીઓની લેખિત ફરિયાદ મળી હોવાનું જણાવ્યું છે. જોકે, આ અંગે સંબધિત પ્રોફેસરને વર્તન સુધારવાની સૂચના અપાઈ હોવાનો ખુલાસો પણ તેમણે કર્યો છે.

(10:24 am IST)