Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ધારીના આંબરડી પાર્ક નજીક પાંજરાના સિંહ અને ગીરના જંગલના સિંહ સામસામે આવી જતા સિંહોની ડણકથી જંગલ ગુંજી ઉઠ્યુ

ધારીઃ સિંહોની પણ પોતાની હદ બાંધેલી હોય છે અને જો હદમાં કોઈ બીજો સિંહ આવી ચડે ત્યારે લડાઈ જામી જતી હોય છે. કંઈક આવી ઘટના ધારીના જંગલમાં વહેલી સવારે જોવા મળી હતી. અહીં આંબરડી પાર્કમાં કેદ કરેલા પાંજરાના સિંહ અને ગીરના જંગલના સિંહ સામ-સામે આવી જતાં જબરો જંગ જામ્યો હતો.

સિંહ સામાન્ય રીતે રાત્રે જાગતા હોય છે અને વિચરણ કરતા હોય છે. ગીરના જંગલના બે કદાવર સિંહ આવી રીતે વિચરણ પર નિકળ્યા હતા. ચાલતા-ચાલતા તેઓ આંબરડી પાર્ક નજીક પહોંચી ગયા હતા. દરમિયાન આંબરડી પાર્કમાં પાંજરામાં રહેતા સિંહ પણ તરફ ફરવા નિકળ્યા હતા.

પાંજરાની બહાર બે કદાવર સિંહને જોતાં પાંજરામાં રહેલા સિંહોએ મોટા અવાજે ત્રાડ પાડવાનું શરૂ કર્યું હતું. જેની સામે જંગલમાં રહેતા કદાવર સિંહ પણ પાંજરાની જાળી સુધી પહોંચી ગયા હતા અને અંદર રહેલા સિંહો સામે મોટા અવાજે ત્રાડ પાડીને જવાબ આપ્યો હતો. બાદમાં ગીર જંગલના સિંહે પોતાના રસ્તે વાટ પકડતાં મામલો શાંત પડ્યો હતો.

આમ, વહેલી સવારે અચાનક ધારીનું જંગલ સિંહોની ડણકથી ગાજી ઉઠ્યું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

(4:51 pm IST)