Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કાલે જુનાગઢમાં નરેન્દ્રભાઇના હસ્તે ૯ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત - લોકાર્પણ

સિવિલ હોસ્પિટલ, પોલીટેકનીક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગ, ભકત કવિ નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશન, સાબલપુરમાં નવનિર્મિત બ્રિજ, સોરઠ દૂધ ઉત્પાદન મિલ્ક પ્લાન્ટ ખુલ્લો મુકાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ  : જુનાગઢ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કાલે જુનાગઢની મુલાકાતે આવી રહ્યા છે તેઓના હસ્તે અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેની તસ્વીરી ઝલક (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

જુનાગઢ તા. ૨૨ : શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જુનાગઢમાં આગમન થશે. તેઓશ્રીના હસ્તે નવ પ્રકલ્પોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

જૂનાગઢ શહેરમાં કાલે તા. ૨૩ ઓગષ્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પધારી રહ્યા છે. વડાપ્રધાન બપોરે ૧૪-૦૫ મીનીટે બિલખારોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં પરિસરમાં તૈયાર કરાયેલ હેલીપેડ પર ઉતરાણ કરશે. ત્યાંથી વડાપ્રધાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયાનાં પરેડ ગ્રાઉન્ડનાં પાછળના ભાગે ખાસ તૈયાર કરાયેલ સભાસ્થળે પહોંચશે, વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં યોજાયેલ સભામંડમાં શ્રોતાઓને રાષ્ટ્રનાં પ્રધાનમંત્રીશ્રી સંબોધન કરશે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના હસ્તે જી.એમ.ઇ.આર.એસ. સંચાલીત મેડીકલ કોલેજ પરિસરમાં તૈયાર થયેલ નુતન સિવીલ હોસ્પીટલ ભવનનું લોકાર્પણ થશે, જૂનાગઢ શહેરનાં વિકાસમાં રૂ. ૩.૬૮ કરોડના ખર્ચે રીનોવેટ બાદ નવારૂપ રંગ સાથે યશકલગીમાં ઉમેરો કરતા શામળદાસ ટાઉનહોલ અને રૂ. ૪૧૬ લાખનાં ખર્ચે સાબલુપર ખાતે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે જૂનાગઢની શાન સમાન ભકતકવિ નરસિંહ મહેતા સરોવરને રૂ.૬૦ કરોડનાં ખર્ચે થનાર બ્યુટી ફિકેશનના કામ અને ૨૦.૭૯ કરોડનાં ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત અને જૂનાગઢ કૃષિ યુનિ. સંલગ્ન ફિશરીઝ કોલેજ ભવન કે જે ૧૪૬૦ લાખનાં ખર્ચે નવનિર્માણ થયુ છે ભવન અને રૂ. ૪૫૭ લાખનાં ખર્ચે સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિ. પરિસરમાં રૂ.૫૫૨ લાખનાં ખર્ચે નવનિર્મિત પોલીટેકનીક ઈન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે. આમ તા. ૨૩ ઓગષ્ટ જૂનાગઢ જિલ્લાની વણથંભી વિકાસની દિશામાં આગેકુચ કરશે.

આ ઉપરાંત પી.ટી.સી. ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના હસ્તે સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘનાં મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રીના પ્રવાસનાં સંદર્ભે તા. ૨૩મી ઓગષ્ટે જૂનાગઢમાં સુચારૂ આયોજન થઇ શકે તે માટે રાજયનાં પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાનાં માર્ગદર્શન હેઠળ વિવીધ બંદોબસ્તની સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.

જૂનાગઢમાં ૨૩મીએ જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ બંદોબસ્ત અને ટ્રાફીક વ્યવસ્થા પર દેખરેખ રાખશે અને લોકોને કાર્યક્રમનાં સ્થળે પહોંચવા માટે તેમજ અન્ય વાહન વ્યવહાર કાર્યરત રહે તે માટે જુદા જુદા માર્ગો એક ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનશ્રીનાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્રનાં વડા ડો. સૈારભ પારધી, રેન્જ આઈજી શ્રી સુભાષ ત્રિવેદી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૈારભ સિંધ, જૂનાગઢ મ્યુ. કમિશ્નરશ્રી પ્રકાશ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરીની ટીમ જહેમત ઉઠાવી રહી છે. (૨૧.૧૧)

નરેન્દ્રભાઇનું કાલે જુનાગઢમાં ૨ વાગ્યે આગમન - ૩.૩૦ વાગ્યે વિદાય

જુનાગઢ તા. ૨૨ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કાલે  સવારે ૮.૩૦ કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે. ૧૦.૧૫ વાગે સુરત એરપોર્ટ પહોંચશે. ૧૦.૨૦થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે. ૧૦.૫૦ વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે. ૧૦.૫૫ વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે. ૧૧.૦૦ વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. ૧૧.૦૦થી ૧૨.૧૫ વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૨.૨૦થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે. ૧૨.૨૫ વલસાડ હેલિપેડે પહોંચશે.

૧૨.૩૦ વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે. ૨.૦૫ વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે. ૨.૧૦ વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે. ૨.૧૫ વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે. ૨.૧૫ વાગ્યાથી ૩.૧૫ વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૩.૨૦ વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે. ૩.૩૦ વાગે હેલિપેડથી નિકળી ૫.૦૫ વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. ૫.૧૦ વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.૫.૧૫ વાગે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પહોંચેશે. ૫.૧૫થી લઈ ૬.૩૦ સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે. ૬.૩૫ વાગે FSLથી નિકળી ૬.૪૦ વાગે રાજભવન પહોંચશે.

૬.૪૦થી ૭.૪૦ વાગ્યા સુધી મીટિંગમાં રહેશે. ૭.૪૫થી ૮.૧૫ વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે. ૮.૨૦ વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે. ૮.૪૫ વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ૮.૫૦ વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.(૨૧.૧૨)

 

(11:51 am IST)