Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોરબીના ગાળા ગામનો રોડ બન્યાના ૨૦ દિવસમાં તૂટી ગયો : ૭.૬ કરોડનો ખર્ચ પાણીમાં.: અનેક સ્થળે ગાબડાં

ગાળા-શાપર સહિતના પાંચ ગામના રહીશોને મુશ્કેલી: ગ્રામજનોમાં ભારે રોષ : કડક કાર્યવાહીની માંગણી

મોરબીના ગાળા ગામને હાઈવેથી ગામ સાથે જોડતો સાડા સાત કિલોમીટરનો રોડ હજુ તો હમણાં જ બનીને તૈયાર થયો હોય અને ૨૦ દિવસ પૂર્વે લોકાપર્ણ કર્યા બાદ રોડ ચાલુ કરવામાં આવ્યો છે જોકે રોડમાં અનેક સ્થળે ગાબડાઓ જોવા મળે છે અને ૭.૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ રોડ બિસ્માર બની ગયો છે અને ભ્રષ્ટાચારના ગાબડાઓ પડી ગયા છે જેથી ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે
મોરબીના નેશનલ હાઈવેથી ગાળા શાપર ગામને જોડતો રોડ સાડા સાત કિલોમીટર લંબાઈનો હોય જે ગત વર્ષે બનવાનું શરુ કર્યું હતું અને ૨૦ દિવસ પૂર્વે જ રોડનું લોકાપર્ણ કરાયું હતું અને માત્ર સાત દિવસથી વાહનો પસાર થવાનું શરુ થયું હોય ત્યાં રોડમાં આઠ-દસ ઠેકાણે ગાબડા પડી ગયા છે અને ૭.૬ કરોડના ખર્ચે બનેલ રોડ લોકાપર્ણ કર્યાના માત્ર ૨૦ દિવસમાં બિસ્માર બની ગયો છે જે રોડમાં ડામર હાથેથી જ ઉખડી રહ્યો હોવાનું માજી સરપંચ જણાવી રહ્યા છે તો ગ્રામજન જણાવે છે કે ૪-૫ ગામોને જોડતા રોડની કેપેસીટી ૨૦ ટનની છે અહીંથી ૬૦ ટનના વાહનો પસાર થતા હોય જેથી રોડ તૂટી ગયો છે જેથી ગાળા-શાપર સહિતના પાંચ ગામના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
રોડના નબળા કામ અંગે મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા જણાવે છે કે નાયબ મુખ્યમંત્રી દ્વારા ૧૦ કરોડના ખર્ચે રોડ મંજુર કરાયો હતો જે રોડમાં ટેન્ડર મુજબ કામ થયું નથી રોડનું કામ ૯.૬૦ કરોડના ખર્ચે મંજુર થયું હતું જે રોડ ૭.૦૬ કરોડમાં તૈયાર કરાયો છે રોડ જીલ્લા પંચાયત હસ્તક આવે છે અગાઉ કોંગ્રેસનું શાસન હતું જેના રાજમાં રોડ મંજુર થયો હતો અને ટેન્ડર સહિતની પ્રક્રિયા થઇ હોય જે કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું માલૂમ પડે છે તો રોડ અંગે અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે અને અધિકારીઓએ સ્થળની મુલાકાત લેવા પણ જણાવ્યું હતું
આમ કચ્છના અંજારની ધરતી કન્સ્ટ્રકશન નામની કંપનીએ બનાવેલ રોડમાં ગાબડાઓ પડી ગયા છે હજુ તો ચોમાસું જામ્યું નથી ત્યાં આવી સ્થિતિ છે ત્યારે ચોમાસામાં રોડની હાલત શું થશે તેની કલ્પના પણ ગ્રામજનોને ડરાવી રહી છે તો ભ્રષ્ટાચારની પણ બુ આવી રહી હોય જેથી કડક કાર્યવાહી કરવા પણ ગ્રામજનો માંગ કરી રહયા છે

(8:28 pm IST)