Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

૮ દિ'થી ગૂમ લોધીડાના સરપંચને ગોતી દ્યો

જગાભાઇ ઝાપડીયાની જમીન ઉપર લેવાયેલા નાણા ભાણેજ વિનોદ જમી ગ્યો ને હવે ધિરધારનો ધંધો કરતો પ્રકાશ ચાવડા (રવેચીવાળો) જમીન હડપ કરવા ધમકી આપે છેઃ બીકમાં સરપંચ ભૂગર્ભમાં ઉતરી ગયા કે બીજુ કંઇ?: ડીસીપી મીણા સમક્ષ રજૂઆત

રાજકોટ તા. ૨૨: સરધારના લોધીડા ગામના સરપંચ જગાભાઇ વીસાભાઇ ઝાપડીયા છેલ્લા આઠ દિવસથી ગૂમ છે. આ મામલે પોલીસ કોઇ પગલા લેતી નથી તેવી રજૂઆત સાથે પરિવારજનો અને ગ્રામજનો પોલીસ કમિશનર ઓફિસે દોડી આવ્યા હતાં અને ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા સમક્ષ રજૂઆત કરી હતી.

ગૂમ થયેલા સરપંચ જગાભાઇના પુત્ર દિલીપ અને તેમના પત્નિએ રડમશ અવાજે પત્રકારોને જણાવ્યું હતું કે આઠ દિવસથી ગૂમ થયેલા અમારા મોભીનો કોઇ પત્તો નથી. મોબાઇલ ફોન પણ સતત બંધ આવે છે. તેમણે એક વિડીયો વ્હોટ્સએપથી મોકલ્યો એટલે અમને તેઓ ગૂમ થયાની જાણ થઇ છે. આ વિડીયોમાં પોતાની જમીન ઉપર ભાણેજ વિનોદ જસમત ચોૈહાણ માટે ત્રીસ લાખ રૂપિયા પ્રકાશભાઇ ચાવડા (રવેચીવાળા) પાસેથી ધીરાણ મેળવેલ. હવે આ નાણા ભાણેજ વિનોદ ચુકવતો નથી અને જમીન પ્રકાશ રવેચીવાળા હડપ કરી જવા માંગે છે. આ બાબતના સાક્ષી વિક્રમભાઇ અને વિરમભાઇ છે. મેં એકપણ રૂપિયો લીધો નથી. તેવું જગાભાઇએ વિડીયોમાં જણાવ્યું છે.

આ રજૂઆતમાં જીલ્લા કિસાન સંઘના પ્રમુખ સખીયા અને ૧૦૦થી વધુ ગ્રામજનો જોડાયા હતાં. સરપંચ જગાભાઇ ધીરાણ આપનાર પ્રકાશ રવેચીવાળાની બીકમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે કે બીજુ કંઇ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. ઉલ્લેખનિય છે કે ગામડાઓમાં તોતીંગ વ્યાજે ધીરધારનો ધંધો ફુલેલો ફાલેલો છે ત્યારે પોલીસ આ મામલે કડક રાહે પગલા લઇ ગૂમ થયેલા જગાભાઇનું પગેરૂ મેળવે તો હકિકત બહાર આવે.

(3:58 pm IST)