Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં પવનના સૂસવાટા : ગિરનાર રોપ-વે બંધ

મેઘરાજા મહેર કરે તે જરૂરી : વાદળા છવાય છે પરંતુ પવનનું જોર વધુ હોવાથી વિખેરાય છે

રાજકોટ તા. ૨૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે અને ધોધમાર વરસાદ ન વરસતા ચિંતા છવાઇ ગઇ છે.

આખો દિવસ વાદળા છવાઇ જાય છે પરંતુ મેઘરાજા તૂટી પડતા નથી પવનનું જોર વધતા વાદળા વિખેરાઇ જાય છે.

આજે પણ વરસાદનો વિરામ યથાવત છે અને ધૂપ-છાંવનો માહોલ છવાયેલ છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : આજે પણ પવન ફુંકાતા સતત ત્રીજા દિવસે ગિરનાર રોપ-વે બંધ રહ્યો છે.

સોમવારથી ગિરનાર પર્વત પર પવન ફુંકાતા રોપ-વે સેવાને અસર થઇ છે. આજે પણ પવન યથાવત રહેતા રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે.

ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ દિપક કપલીસે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આજે પણ સવારથી ગિરનાર પર ૮૦ કિમીની ઝડપે પવન ફુંકાય રહ્યો હોય યાત્રિકોની સલામતી માટે આજે સતત ત્રીજા દિવસે પણ રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે.

પવનની ઝડપ સામાન્ય થયા બાદ રોપ-વે સેવા પૂર્વવત કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

સોરઠમાં વરસાદી માહોલ છતાં મેઘરાજાની જમાવટ ન થતાં લોકોમાં નિરાશા જોવા મળી રહી છે.

જૂનાગઢ સહિતના સોરઠમાં છેલ્લા ૪ દિવસથી વરસાદી વાતાવરણ પ્રવર્તે છે પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.

જૂનાગઢમાં આજે પણ આકાશ વાદળાથી ગોરંભાયું છે. સવારના આ વાતાવરણને લઇ સૂર્યનારાયણના પણ દર્શન થયા ન હતા.

દરમિયાન સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૨.૬ કિમીની રહી હતી.

(12:48 pm IST)