Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

શ્રી સોમનાથ મહાદેવ મંદિરે પ્રાચીન શિલ્પ વૈભવનો વારસો જીવંત થાય તે હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કામગીરી

સોમનાથ :માત્ર ગુજરાતના નહિ, ભારતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં સોમનાથની ગણતરી થાય છે. કાળક્રમે અનેક થપાટો ખાધા બાદ પણ આજે મંદિર ઉભુ છે. સોમનાથનો પ્રાચીન વારસો વર્ષોવર્ષો જીવંત રહે તે માટે સોમનાથ મંદિરમાં અનોખી કામગીરી કરવામાં આવી રહી છે. હવે સોમનાથ મંદિરમાં સ્તંભો, ગેલેરી, ઝરૂખા સહિતના ભાગોમાં પ્રાચીન શિલ્પ વૈભવનો વારસો જીવંત થશે. સોમનાથ મહાદેવના મંદિરમાં શિલ્પ મૂર્તિ કંડારવાનું કામ શરૂ કરાયું છે.

સોમનાથ મંદિર પ્રાચીન સમયમાં શિલ્પ વૈભવના નક્શી કામોથી જાહોજલાલી ભર્યુ હતું. આવો પ્રાચીન શિલ્પ વૈભવનો વારસો જીવંત થાય તે હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે. દેશના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવ મંદિરને શિલ્પ મૃતિૅઓથી કંડારવાનુ પ્રાચીન શિલ્પ શાસ્ત્રના આધારે ફરી કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી મંદિરની બહારના ઘેરાવામાં મંદિરની કોતરકામ કરી મૃતિૅઓ કોતરવામાં આવી રહી હતી. હવે મંદિરની અંદર પ્રકારના કામની શરૂઆત થઈ ચૂકી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિલ્પ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના નિયમોને આધીન કામ ધાંગધ્રાના સુપ્રસિદ્ધ શિલ્પા આચાર્ય ધનશયામ સોમપુરા તેના ઉત્તમ કળાના નિચોડથી કરી રહ્યાં છે. દર્શનાર્થીઓ મંદિરની પ્રદક્ષિણા વખતે તમામ દેવોના દર્શન થઇ શકે તે માટે પ્રથમ દક્ષિણ દિશા બાદ પશ્ચિમ અને ઉત્તર દિશામાં યમદેવ મૃતિૅ તેવી રીતે પશ્ચિમ દિશામાં વરૂણદેવની મૂર્તિ ઉત્તર દિશા કુબેર ભંડારીની મૂતિૅના સ્તંભ ઉપરના ભાગે નક્શીકામ કરાઈ રહ્યુ છે.

પ્રાચીન એવા મંદિરનું નક્શીકામ ધાંગધ્રાનાં પથ્થરોમાંથી થઇ રહ્યું છે. જેનું આયુષ્ય 800થી 1000 વર્ષ સુધીનું હોય છે અને તેમાંથી બનેલું હોય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ સિધ્દ્ધપુરનો લક્ષ્મી પેલેસ પણ પત્થરોમાંથી બનાવાયેલું છે તેવુ સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

સોમનાથ મંદિરનો પ્રાચીન શિલ્પ વૈભવનો વારસો જીવંત થતો જોઇ સોમનાથ મંદિરે ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા શિવભક્તો પણ પ્રભાવિત થઈ રહ્યાં છે

(6:07 pm IST)