Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સુરેન્દ્રનગરમાં દે ધનાધનઃ જૂનાગઢમાં કડાકા-ભડાકા સાથે વરસાદઃ તાલાળામાં દોઢ, જામજોધપુર-ગીરગઢડામાં અડધો ઈંચ

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવાર સાંજથી મેઘરાજાએ પધરામણી કરી છે અને દરરોજ ઝાપટાથી લઈને ૩ ઈંચ જેટલો વરસાદ વરસી જાય છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં હળવો-ભારે વરસાદ વરસ્યો છે.

સુરેન્દ્રનગરમાં આજે બપોરના ૪ વાગ્યાથી દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે અને અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આખો દિવસ ઉકળાટવાળુ વાતાવરણ રહ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણ ઠંડુ થઈ ગયુ છે.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે આજે સાંજે ૪ વાગ્યાથી મેઘરાજા મહેરબાન થયા છે અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડયો છે. જ્યારે માળીયા હાટીના અને માંગરોળમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

ગીરસોમનાથ જિલ્લાના તાલાળામાં દોઢ ઈંચ તેમજ ગીરગરઢામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુર અને અમરેલી જિલ્લાના બગસરામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત ખાંભા, સાવરકુંડલા, ગારીયાધાર અને ભાણવડમાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટમાં પણ આખો દિવસ અસહ્ય ઉકળાટવાળુ વાતાવરણ રહ્યુ છે અને બપોર બાદ ગોરંભાયેલુ વાતાવરણ છે.

(4:36 pm IST)