Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

હજુય પોણા ભાગનો કચ્છ જીલ્લો વરસાદ વગર કોરોધાકોડ

કચ્છમાં ત્રણ વર્ષથી દુષ્કાળનો સામનો કરતા તાલુકાઓ લખપત, અબડાસા, નખત્રાણામાં 'કંચન વરસે મેહ' વીજળી પડતાં ૨ ખેત મજૂરોના મોત, રવાપરમાં નદીની પાપડીમાં કાર ફસાઈ, ભુજ ૪૦.૪ ડીગ્રી સાથે ગરમ શહેર

ભુજ, તા.૨૨: કચ્છમાં ભારે આતુરતા પૂર્વક મેદ્યરાજાની મહેર વરસે તેની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.

ત્રણ ત્રણ વર્ષ થયાં દુષ્કાળનો સામનો કરતા કચ્છના ત્રણ તાલુકાઓ અબડાસા, લખપત અને નખત્રાણામાં મેઘરાજાએ મહેર કરતા આ ત્રણ તાલુકાઓમાં જાણે 'કંચન વરસે મેહ' કાચુ સોનુ વરસ્યું હોય એવો આનંદનો માહોલ છવાયો છે. જોકે, વરસાદ બહુ નથી પણ સરેરાશ અડધો થી બે ઇંચ જેટલો સામાન્ય જ છે.

પણ, લાંબા સમય પછી મેઘરાજાએ કરેલી મહેરથી લોકો ખુશ છે અને આશાવાદી છે. દરમ્યાન ગાજવીજ સાથે વીજળી ત્રાટકતા અબડાસાના સાંધાણ ગામમાં કામ કરતા આદિવાસી ખેત મજૂર સંજય માનસિંગ નાયકનુ મોત નીપજયું હતું. લખપત તાલુકામાં કયાંક ઓછો તો કયાંક વધુ વરસાદ પડ્યો હતો. પાંનધ્રો વિસ્તારમાં ઝરમર, દયાપર-નારાયણ સરોવર વિસ્તારમાં અડધો ઇંચ, માતાના મઢ વિસ્તારમાં એકાદ ઇંચ, તો રવાપર નાગવીરી પાસે બે ઇંચ વરસાદ પડ્યો હતો.

વરસાદને કારણે રવાપર નાગવીરી વચ્ચે નદી વહી નીકળતા તેમાં એક કાર ફસાઈ ગઈ હતી. પ્રવાસીઓ બચી ગયા હતા પણ કારણે ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી. નખત્રાણા પંથકમાં નિરોણા, થાન, ધીણોધાર ડુંગર વિસ્તારમાં અડધોથી એક ઇંચ જયારે અંગીયા, નખત્રાણામાં બે ઇંચ, નાની બન્ની, માકપટ વિસ્તારના ગામોમાં એકાદ ઇંચ વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના નલિયા અને આસપાસના વિસ્તારમાં પોણો ઇંચ જયારે જૈન પંચતીર્થ ના ગામો કોઠારા, સુથરી, સાંધાણ વિસ્તારમાં ડરામણા વીજ કડાકા સાથે એકાદ ઇંચ વરસાદ વરસી ગયો હતો. અબડાસાના સરહદી ગામો ગોયલા, જંગડીયા વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. એકંદરે ત્રણેય દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં વરસાદે લોકોમાં ઉત્સાહ અને આશા નો સંચાર કર્યો છે.

ખાવડા, મુન્દ્રા, માંડવી, અંજાર, રાપરમાં છૂટો છવાયો...

અંજાર વિસ્તારમાં સાંજે કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ભીમાસર ગામે વીજળી પડતા ખાનગી કંપનીમાં કામ કરતા મજદૂર અજયકુમાર રાય નું મોત નીપજયું હતું. રાપરમાં નિલપર, સુવઈ વિસ્તારમાં છૂટો છવાયો અડધોથી પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રા તાલુકાના વાંકી, પત્રી, બેરાજા, બાબિયા, કેરા વિસ્તારમાં પોણો થી એક ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે માંડવીમાં કોજાચોરા, શેરડી, ગઢશીશા પંથકમાં પોણો ઇંચ જેવો અને ભુજના ખાવડા, કાળો ડુંગર વિસ્તારમાં પોણો ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. જોકે, કચ્છના ૧૦ પૈકી માત્ર ત્રણ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે. જયારે પોણા ભાગનો કચ્છ જિલ્લો હજી કોરો ધાકોડ છે.

(12:16 pm IST)