Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વાંકાનેરમાં પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ગરમાગરમી બાદ મામલો શાંત પડયો

માર્કેટ ચોકમાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી ચાલુ હતી'ને પોલીસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ શરૂ થતા ચડભડ થઇઃ ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના હાટડા બંધ કરાવો અન્યથા આંદોલનની ફરજ પડશેઃ ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીની ચીમકી

તસ્વીરમાં પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ગરમા ગરમી બાદ એકત્ર થયેલ ટોળા નજરે પડે છે. (તસ્વીર : નિલેશ ચંદારાણા વાંકાનેર) (પ-૧૦)

વાંકાનેર તા. રર :.. વાંકાનેરના માર્કેટ ચોકમાં આજે સવારે ભાજપ અગ્રણીઓ-કાર્યકર્તાઓ અને શહેર પોલીસના અધિકારીઓ વચ્ચે એક બીજાની કામગીરીમાં વિક્ષેપ બાબતે ઉગ્ર બોલાચાલી સાથે ગરમા ગરમી થઇ હતી. જે એકાદ કલાકના અંતે એકબીજાની વાતને ધ્યાનમાં લઇ પોલીસ તંત્રએ ટ્રાફીક ડ્રાઇવ અન્યત્ર કરવા જતા વાતાવરણ શાંત થયુ હતું.

ભાજપ દ્વારા સંગઠન પર્વ સાથે સદસ્યતા નોંધણી માટેનો કાર્યક્રમ અગાઉથી જાહેર કર્યા મુજબ માર્કેટ ચોકમાં 'છત્રી છાવણી' સાથે સવારથી શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતા જીતુભાઇ સોમાણી, શહેર ભાજપ પ્રમુખ દીનુભાઇ વ્યાસ, જીલ્લા ભાજપ અગ્રણી ઇન્દુભા જાડેજા, સંગીતાબેન વોરા, નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ વોરા સહિતના અગ્રણીઓ નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપ, યુવા ભાજપના હોદેદારો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જોરશોરથી નવા સદસ્યો નોંધવાની કામગીરી ચાલતી હતી ત્યારે જ  વાંકાનેર શહેર પોલીસના પી.આઇ., પીએસઆઇ, ટ્રાફીક શાખા સાથેનો પોલીસ સ્ટાફ અગાઉથી જાહેર થયેલ જીલ્લા ટ્રાફીક ડ્રાઇવને લઇને લઇને માર્કેટ ચોકમાં જ ટ્રાફીક નીયમો માટેની કાર્યવાહી કરવા ઉભા રહી જતા ટ્રાફીક ડ્રાઇવને પગલે સદસ્યતા નોંધણી સ્થળે આવતા લોકોમાં દંડ ના ભયે વિક્ષેપ ઉભો થતા.

ભાજપના ઉપરોકત અગ્રણીઓએ પોલીસને અન્ય વિસ્તાર ચોક નજીક ઉભા રહી ટ્રાફીક ડ્રાઇવ માટે કહેતા હાનાકાની થતા અને ટ્રાફીકના નિયમોનું પાલન સાથે દંડની કાર્યવાહી તેજ બનાવાતા પોલીસ તંત્રના આ અસહકાર ભર્યા વર્તન સામે સદસ્યતા નોંધણી છાવણીમાં બેઠેલા ભાજપના અગ્રણીઓમાં રોષ છવાયો હતો અને પોલીસ અને પદાધિકારીઓ સામે ઉચા છવાયો હતો અને પોલીસ અને પદાધીકારીઓ સામે ઉચા આવાજે દેકારો શરૂ થયેલ અને બન્નેની કામગીરી અટકી ગઇ હતી.ત્યારે વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઇ સોમાણીએ પોલીસને જણાવેલ કે શહેરમાં ખુલ્લે આમ વેચાતા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવો અન્યથા ઉચ્ચકક્ષાએ રજૂઆત-આંદોલનની ફરજ પડશે તેવી ચિમકી પણ આપી દીધેલ. એકાદ કલાકનાં ગરમા ગરમીના વાતાવરણ બાદ પોલીસ તંત્રએ અન્ય જગ્યાએ જતા રહેતા સદસ્યતા નોંધણી માટે લોકોનો પ્રવાહ પુન શરૂ થયો હતો.

(12:02 pm IST)