Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

જુનાગઢ કોર્પોરેશન ચૂંટણીમાં પ૦.૩ર ટકા મતદારોએ મતદાન જ ન કર્યું

રાજકીય પક્ષોમાં ચિંતા : સૌથી વધુ ૬૬.૩૬ ટકા વોર્ડ નં.૧માં અને સૌથી ઓછુ ૩૬.ર૦ ટકા મતદાન વોર્ડ નં.૧૧માં : ગત ચૂંટણી કરતા ૪.૪ ટકા મતદાન ઘટયું : આવતીકાલે ગણતરી

જુનાગઢ, તા. રર : જુનાગઢ મનપાની ચૂંટણીમાં પ૦.૩ર ટકા મતદારોએ મતદાન જ નહિ કરતા રાજકીય પક્ષો ચિંતીત થયા છે. આવતીકાલે શું પરિણામ આવશે તેને લઇ મુંઝવણ અનુભવી રહ્યા છે.

જુનાગઢ મહાનગરપાલિકાના ૧૪ વોર્ડની પ૬ બેઠક માટે રવિવારે ૪૯.૬૮ ટકા મતદાન થયું હતું જે સાથે ૧પ૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા. આવતીકાલે સવારે ૮ વાગ્યાથી કૃષિ ઇજનેરી કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે.

મતદાન એકંદરે શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ તમામ ઇવીએમ સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા હતા.

રવિવારથી સવારે વરસાદના વિધ્ન વચ્ચે મતદાન પ્રારંભ થયો હતો. મેઘ મહેરને લઇ પ્રારંભમાં મતદાન ખૂબ ઓછુ થયેલ. વરસાદ રહી ગયા બાદ પણ મતદારોએ આળસ નહિ ખંખેરતા સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૪૯.૬૮ ટકા નિરસ મતદાન થયું હતું. આમ પ૦.૩ર ટકા મતદાતા મતાધિકારના ઉપયોગથી અળગા રહેતા પરિણામને લઇ રાજકીય પક્ષો, ઉમેદવારો અને નેતાઓ ચિંતામાં મૂકાઇ ગયા છે.

ગત વખતની ચૂંટણી કરતા આ વખતે ૪.૪૯ ટકા ઓછુ મતદાન થયું છે. સૌથી વધુ ૬૬.૩૬ ટકા મત વોર્ડ નં.૧માં અને સૌથી ઓછા મત ૩૬.ર૦ ટકા મત વોર્ડ નં.૧૧માં પડયા હતા. આ વોર્ડમાંથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, શહેર ભાજપના પ્રમુખ શશીકાંત ભીમાણીએ ઝંપલાવ્યું છે.

ભાજપના પદમાનીત મેયર ધીરૂભાઇ ગોહેલના વોર્ડ નં.૯માં ૪૭.૮૦ ટકા, મેયર આદ્યાશકિતબેન મજમુદારના વોર્ડ નં.૧૪માં ૪૯.૧ર ટકા અને ડે. મેયર ગિરીશભાઇ કોટેચાના વોર્ડ નં.૧૦માં માત્ર ૩૯.૪૮ ટકા મતદાન થયું હતું.

જોકે વોર્ડ સીમાંકનના કારણે અમુક મતદારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મોટાભાગના મતદારોએ મત ન આપવા વરસાદનું બહાનુ બતાવ્યું હતું.

ર૦૦૯માં પ૬.ર૮ ટકા મતદાન થયા બાદ આ વખતે ૪૯.૬૮ ટકા નિરસ મતદાન થતાં પરિણામ શું આવશે તેને લઇને રાજકીય પક્ષોમાં ચિંતા પ્રવર્તે છે છતાં ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો તેમજ અપક્ષોએ પોતાના વિજયના દાવા કર્યા છે.

(12:01 pm IST)