Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ભુજ જિલ્લા કક્ષાની સંકલન સમિતિની બેઠકમાં લોકપ્રશ્નોનો તાકીદે નિરાકરણ લાવવા સંબંધીત અધિકારીઓને સુચના

જિલ્‍લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્‍યક્ષપદે મળેલી સંકલનની બેઠકમાં લોક પ્રતિનિધિઓએ કરેલી રજૂઆતોનું નિકારણ લવાયું

ભુજ:જિલ્‍લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્‍લા સંકલનસમિતિની બીજા તબક્કાની બેઠક ભુજ ખાતે મળેલી હતી જેમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ
કરાયેલા પ્રશ્નોના નિરાકરણ અને અમલીકરણ માટે સંબંધીત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. રજૂ થયેલા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા કલેક્ટર દ્વારા વિવિધ જરૂરી સુચનો પણ કરાયા હતા. મહિનાના દર ત્રીજા શનિવારે નિયમીત મળતી આ બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઇ હતી જેમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને ઉપસ્થિત રાખીને પ્રશ્નો અંગે ચર્ચા હાથ ધરીને નિકાલ કરાયો હતો.

  બેઠકના પ્રારંભે અધિક નિવાસ કલેક્ટર કે. એસ. ઝાલાએ સૌ પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કાર્યવાહી હાથ ધરી હતી. આજની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષમણસિંહજી સોઢાએ કચ્છ જિલ્લામાં કેટલા ગામોને રેવન્યુ વિલેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે પ્રશ્ન પૂછી બાકીના ગામોનો ક્યારે સમાવેશ કરવામાં આવશે તે અંગે પ્રશ્ન પૂછી સરકારની યોજનાઓ સરળતાથી તેમના સુધી પહોંચાડી શકાય તે માટે ચિંતા વ્યક્ત કરી હતી

  . ઉપરાંત આડેસર ગામે આવેલ રોડ જે અગાઉ નેશનલ હાઇવે નં. ૧૫ માં હતો જે હવે ફોર લેન થઇ જતાં બાયપાસ નીકળેલ છે. તો હવે આ રસ્તાનું નવીનીકરણ ક્યારે થશે? આ અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી પટેલ દ્વારા માર્ગની ઓથોરિટી નક્કી કરી મરામતની ગ્રાન્ટ ડિપોઝીટ કરાવવામાં આવે તો કામગીરી કરી આપવા જણાવ્યું હતું.
   માંડવીના ધારાસભ્ય વિરેન્દ્ર્સિંહ જાડેજાએ માંડવી તાલુકાના મેરાઉ, દુર્ગાપુર, મોટી રાયણ, મોટી ખાખર, મોટી ભુજપુર, મોટા કાંડાગરામાં ખેડૂતોને કચ્છ નર્મદા શાખા નહેરના જમીન સંપાદનમાં યોગ્ય વળતર આપવા અને સંપદાનમાં આવતા ફળાઉ ઝાડનું યોગ્ય વળતર આપવા  રજૂઆતો કરી હતી. મુંદરા તાલુકાના મોટા કંડાગરા ગામે વધારાના પુલીયા અને માંડવી તાલુકાના કોઠારીયા વાડી વિસ્તારમાં તેમજ નિશાળમાં આવવા જવા માટે વધારાના પુલિયાની પણ માંગણી કરી હતી. તેમણે કચ્છ શાખા નહેરની અધુરી કામગીરી સત્વરે પૂર્ણ કરવા પણ રજૂઆત કરી હતી.
   અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાઓમાં કયાં સ્થળે કેટલા રૂપિયાના ખર્ચે તળાવો, ચેકડેમ કે હવાળા બનાવવામાં આવ્યા તે અંગે વિતગોની રજૂઆત કરી હતી. વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં કેટલા અને કઇ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું? કેટલા વૃક્ષોનું રિપ્લાન્ટીંગ કરાયું? પવનચક્કી, ઇલેક્ટ્રીક ટાવર તેમજ ઉદ્યોગો દ્વારા કરાયેલા વૃક્ષોના નિકંદન અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સાથે જ તેમણે જિલ્લામાં ડેમોની સંખ્યા કરતાં ડેમના કામની ગુણવત્તા પર ભાર મુકવા અપીલ કરી હતી.
   સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઇ વાઘેલાએ નખત્રાણા તાલુકાના જતાવીરા ગામે ખેડૂતના વીજ કનેક્શન ટ્રાંસફર બાબતે પી.જી.વી.સી.એલ. તલાટીનો દાખલો લઇ આવવાનો આગ્રહ કરે છે જ્યારે તલાટી પોતે આવી સત્તા તેમની પાસે ન હોય દાખલો કાઢી આપવાની મનાઇ કરે છે ત્યારે ખેડૂતનો પ્રશ્ન વહીવટી ગુંચવાળો દૂર કરવા અને નીતિવિષયક પ્રશ્ન હોઇ આ સંદર્ભે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જણાવાયું હતું. બેઠકમાં અન્ય પ્રશ્નોની પણ ચર્ચા હાથ ધરીને તેમના નિકાલ માટે સંબંધીત અધિકારીઓને તાકીદ પણ કરાઇ હતી.
   આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર કે.એસ. ઝાલા, અંજાર પ્રાંત અધિકારી ડૉ. વિમલ જોષી, ભુજ પ્રાંત અધિકારી આર.જે. જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી કે.જી. રાઠોડ, અબડાસા પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, પશ્ચિમ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, પૂર્વના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.ઝાલા, ડીઆરડીએ નિયામક એમ.કે. જોષી, નાયબ પશુપાલન અધિકારી કે.જી. બ્રહ્મક્ષત્રિય, પાણી પુરવઠા વિભાગના પી.એ. સોલંકી, ડીઇઓ ડૉ. બી.એમ. પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી (પ્રાથમિક) સંજય પરમાર, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જયેશ બારોટ, ખેતીવાડી અધિકારી  શિહારો, માર્ગ અને મકાન વિભાગના  પટેલ, આર.ટી.ઓ. યાદવ સહિત વન વિભાગ, પીજીવીસીએલ, મામલતદારો, ટીડીઓ, નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના ઉપસ્‍થિત રહયા હતા.

 

(11:30 pm IST)