Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

અમરેલી સાઇબર પોલીસ સ્ટેશનની શરૂઆત

૧ પીઆઇ, ૧ પીએસઆઇ અને ૧૦ પોલીસ કર્મીઓની નિમણુંક

અમરેલી, તા. રર : રાજ્યમાં વધી રહેલા સાઈબર ક્રાઈમના બનાવોને અંકુશમાં રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં ૧૦ સાઈબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. જેમાં અમરેલીનો પણ સમાવેશ કરાયો છે. અમરેલીમાં તૈયાર કરાયેલા સાઈબર પોલીસ સ્ટેશનનો આજથી પ્રારંભ કરવામા આવ્યો છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવના હસ્તે આજે પોલીસ સ્ટેશન ખુલ્લું મુકવામા આવ્યું હતું.

અમરેલીના લોકો હવે સાઈબર ક્રાઈમને લગતી ફરિયાદો સીધી જ અહીં કરી શકશે. આજથી પોલીસ સ્ટેશન શરૂ થતા એક પીઆઈ, એક પીએસઆઈ અને ૧૦ પોલીસકર્મીઓની નિમણૂક કરવામા આવી છે.

અમરેલી જિલ્લામાં સાઇબર ક્રાઇમના ગુન્હા વારંવાર બનતા હતા તેને લઈ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા અમરેલી નો સમાવેશ કરાયો છે અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સાઇબર અનુભવી ઓફિસરો અને કોમ્પ્યુટર સહિત ટેક્નિક સાધનો સુવિધા આપવામાં આવી છે, જેથી સાઇબર ગુન્હાહિત પ્રવૃતિ કરનારા સુધી ઝડપથી પોલીસ પોહચી કાર્યવાહી કરી શકે.

ભાવનગર રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ એ કહ્યુંં ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યમા ૧૦ સાઇબર પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે તે પેકી ભાવનગર રેન્જમાં અમરેલી શહેરમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયુ છે. હું પબ્લિક ને અપીલ કરુ છુ સાઇબરને લગતા કોઈ ગુન્હા સામે આવે તો તાત્કાલિક સાઇબર પોલીસ સ્ટેશનને જાણ કરો અમારી પોલીસ તાત્કાલિક પગલાં ભરશે.

(1:10 pm IST)