Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

નવલગઢ પાસે કંપનીમાં ચોરી કરતા બે ઝડપાયા

વઢવાણ,તા. ૨૨: સુરેન્દ્રનગર હાઇવે ઉપર નવલગઢ ગામ પાસે સાલાર એગ્રો પેનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પડેલો લોખંડનો સામાન પાઇપ પેનલો સહિતની વસ્તુઓનો શનિવારની રાત્રે ચોરી થઈ હતી. રૂપિયા પાંચ લાખના સામાનની ચોરીની રવિવારની સવારે ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ નોંધવામાં આવી હતી.

ડીવાયએસપી આર.બી.દેવદ્યાના માર્ગદર્શન નીચે તાલુકા પીઆઈ એ.એમ.ધોરી અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા સ્ટાફના ગણેશભાઈ પઢેરિયા અને ભરતભાઈ સાબરિયા સહિતની ટીમે કાર્યવાહી કરી હતી.

જેમાં મૂળ રાજસ્થાનના અને નવલગઢમાં રહેતા ભગવાનભાઈ ભેરાજી ગુજજર અને નવલગઢના ગિરીશ ઉર્ફે ડંગલ પૂંજાભાઈ સાગઠિયાને રવિવારની સાંજે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીનો વિવિધ સામાન જેમાં લોખંડની પાઇપ, એંગલો અને પેનલો સહિત સામન કુલ કિંમત ૪,૮૯,૦૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ આરોપીને ધાંગધ્રા તાલુકા પોલીસ હવાલે કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરાઈ છે .

૮૫ હજારનો દારૂ ઝડપાયો

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસનો બજાણા પોલિસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસેથી રાજસ્થાન પાસીંગના ટ્રેલર નં- RJ-27-GD-1406 નીકળતા એને આંતરતા ચાલક પુરઝડપે ટ્રેલર હંકારાતા બજાણા પોલિસે આ ટ્રેલરનો ફિલ્મી ઢબે પીછો કરી આંતરી હતી.

બજાણા પોલિસે રાજસ્થાન પાસીંગના ટ્રેલરની સઘન તલાશી લેતા ટ્રેલરમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ-૧૦૦૬, કિંમત રૂ. ૮૫,૫૧૦, વીવો કંપનીનો મોબાઇલ કિંમત રૂ. ૩,૦૦૦ અને ટ્રેલર કિંમત રૂ. ૨૦ લાખ મળી કુલ રૂ. ૨૦,૮૮,૩૧૦ના મુદામાલ સાથે રાજસ્થાન ઉદેપુરના ફત્ત્।ેહનગરના હાફીજ મોહંમદ અબ્દુલ કાદીર મુસલમાન (ઉંમર વર્ષ- ૩૫)ની અટક કરી ફરીયાદી બજાણા પોલિસના સુરેશભાઇ સામંતભાઇ મુંધવાની ફરીયાદના આધારે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પીએસઆઇ વી.એન.જાડેજા, ભરતદાન, રાજેશભાઇ મીઠાપરા સહિતનો બજાણા પોલિસ સ્ટાફ સાથે હાજર હતો.

(12:12 pm IST)