Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

આમરણ ચોવીસી પંથકમાં ૧૬૦૦ વિઘા જમીન ઉપર વનવિભાગે દાવો કરતા ખળભળાટ

જમીન ફરતે નિશાનીરૂપ પથ્થર ખોડી દેતા ખેડૂતોમાં ભારે ચિંતાઃ આવેદનપત્ર પાઠવીને ગતિવિધિ રોકવા રજૂઆત

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા.૨૨: આમરણ ચોવીસી પંથકના દરિયાકાંઠે આવેલા ઉટબેટશામપર ગામે રાજયના વનવિભાગની એક અજીબોગરીબ હરકતથી ગામના કાયદેસર ખાતેદાર ખેડૂતો સહિત આમજનતા ચોંકી ઉઠી છે. થોડા દિવસ પહેલા આશ્ચર્યજનક રીતે વન વિભાગે ઉટબેટશામપર ગામની રેવન્યુ સ.નં.૨૩૨ની સરકારી રાહે માપણી કરી આ જમીન ફરતે નિશાનીરૂપ પથ્થરના ખાંભા ખોડી ૧૬૦૦ વિધા જેટલી જમીન પર વન વિભાગે પોતાની માલિકી  હકનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જમીન પર છેલ્લા ૭૦ વર્ષ ઉપરાંતથી કાયદેસરના ખાતેદાર ખેડૂતો તરીકે સરકારી ચોપડે નોંધાયેલા અને વંશ પરંપરાગત કૃષિ ઉત્પાદન લેતા ૫૦ જેટલા ખાતેદાર ખેડૂતોની વન વિભાગની હરકતથી ખેડૂતવર્ગમાં અજંપા સાથે રોષની જળાળા આગેવાનોએ આજે મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વન વિભાગ દ્વારા ચાલી રહેલી ગતિવિધિને અટકાવવા રોષભેર રજુઆત કરી છે.

ઉપરોકત બાબતે મહિલા સરપંચ હંસાબેન તેમજ પૂર્વ સરપંચ જેરામભાઇ પરમાર સહિતના આગેવાનોએ એક મુલાકાતમાં પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે, ઉટબેટશામપર ગામની સર્વે નં. ૨૩૨ની જમીન પોતાની માલિકીની છે તે વન વિભાગને ૭૦ વર્ષ સુધી યાદ કેમ ન આવ્યું? ખુબીની વાત તો એ છે કે જે જમીન પર વનવિભાગ દાવો કરી રહયું છે તે જમીનમાં ૧૪ જેટલા દલિત ખાતેદાર ખેડુતોના ખેતરોનો પણ સમાવેશ થાય છે. જે સન ૧૯૬૫માં સરકારશ્રીની યોજના મુજબ ગરીબ દલિત પરિવારોના ઉત્કર્ષ માટે ખેતીલાયક જમીન ફાળવી સાંથણીમાં આપી માલિકી હક અપાયા હતા. છેલ્લા ૭૦ વર્ષ ઉપરાંતના સમયથી ખાતેદાર ખેડૂતો જમીન પરના વંશ પરંપરાગત અધિકારો અને કબ્જો ભોગવટો ધરાવી ૬૨ વર્ષ કૃષિ ઉત્પાદનો મેળવી રહયા છે. સરકારી ચોપડે અનેક વારસાઇ એન્ટ્રીઓ અને વેચાણ દસ્તાવેજ બની ચુકયા છે. હવે સરકારનું વનવિભાગ સાચું કે પછી સરકારી દફતર?

આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, વનવિભાગના અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત રીતે ખાનગી માલિકીની જમીનમાં કબ્જો જમાવવાની ચેષ્ટાઓ થઇ રહી છે તેનાથી ખેડૂતોને ખેતરે જવાના અનેક ગાડા માર્ગો પણ બંધ થઇ જવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોને પોતાના ખેતરે કાયમી જવાનું થતું હોય છે ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ આ જમીન જંગલખાતાની હોવાનું જણાવી કબ્જો લેવાના પ્રયત્નો કરી રહેલ છે જે ગંભીર બાબત હોવાનું જણાવી તાકિદે વનવિભાગની હરકતો બંધ કરાવવા માંગણી કરવામાં આવી છે.

(11:02 am IST)