Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રૂપીયાની લેતીદેતીમાં મિતાણાના રફીકને ૧૦ શખ્સોએ આંતરી રિવોલ્વર તાકી હોકી-પાઇપથી હુમલો કર્યો

ટંકારા, તા., રરઃ ટંકારા તાલુકાના મિતાણા ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનને આંતરી બે કાર માં આવેલ ૧૦ શખ્શોએ તેના પર રિવોલ્વર તાકીને હોકી પાઇપથી હુમલો કરી યુવાનને માથાના ભાગે ઇજા કરી હતી.

મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા રફીકભાઈ અજિતભાઈ ઠેબા (ઉ.વ.૩૧)એ તે જ ગામના બાબુ છગનભાઇ બોસિયા, જયદીપ બાબુભાઇ, રાહુલ બાબુભાઇ, વિક્રમ જેઠાભાઇ, જેઠાભાઇ નથુભાઈ,પીઠભાઈ નથુભાઈ, લાલો હીરાભાઈ, ભરતભાઇ જીવાભાઈ, સંજયભાઈ ગેલાભાઈ, બાબુભાઇ મગનભાઈ સામે  ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી કે, તેઓ  મિતાણા ચોકડીથી નેકનામ તરફ જતા રોડની બાજુએ આવેલ સીતારામ પાનની દુકાને પોતાનું મોટર સાયકલ લઈને ઉભા હતા.  તે દરમ્યાન આરોપીઓ સ્કોર્પિયો કાર અને અન્ય એક કારમાં ધસી આવ્યા હતા અને કારમાંથી ઉતરીને આરોપી બાબુ બોસિયાએ ફરિયાદીને કહ્યું હતું કે, મેં તને આપેલા રૂપિયા કેમ તું આપતો નથી. તેમ કહીને આ આરોપીએ પૈસાની ઉઘરાણી કરતા ફરિયાદી રફીકભાઈએ મેં તને પૈસા આપી દીધા છે તેવું કહ્યું હતું આથી ઉશ્કેરાયેલા બાબુ બોસિયાએ પોતાના પાસે રહેલી રિવોલ્વર રફીકભાઈ પર તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે બાદમાં અન્ય આરોપીઓએ સમજાવતા બાબુ બોસિયાએ રિવોલ્વર નીચે મૂકી દીધી હતી અને તમામ આરોપીઓએ એક સંપ કરીને રફીકભાઈ પર લોખંડના પાઇપ અને હોકીથી હુમલો કર્યો હતો.  ટંકારા પોલીસે દશ આરોપીઓ સામે આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)