Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ખોડલધામમાં અદ્યતન એર એમ્ફી થિયેટરનું લોકાર્પણ

૧ હજારથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા : ધાર્મિક - પારિવારીક પ્રસંગો યોજવા અપીલ

રાજકોટ : વિશ્વપ્રસિદ્ઘ ખોડલધામ  મંદિર પરિસરમાં બનેલા અદ્યતન એમ્ફી થિયેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ખોડલધામના સ્વપ્ન દ્રષ્ટા નરેશભાઈ પટેલના હસ્તે ઓપન એર એમ્ફી થિયેટરને ખુલ્લું મુકવામાં આવ્યું. એમ્ફી થિયેટરના લોકાર્પણ બાદ ડાયરો અને હાસ્યરસ યોજાયો હતો.

શ્રી નરેશભાઈ પટેલની દીર્દ્યદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ મંદિર પરિસરમાં વિવિધ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે. જેમાંનું એક હતું એમ્ફી થિયેટર. મુખ્ય દ્વારથી પ્રવેશ કરતાં જમણી બાજુ સત્સંગ હોલની બાજુમાં વિશાળ એમ્ફી થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એમ્ફી થિયેટરનું બાંધકામ ગોળાકારમાં બનાવાયું છે. જેમાં અર્ધગોળાકાર ભાગમાં સ્ટેજ અને બાકીના અર્ધગોળાકાર ભાગમાં સ્ટેપમાં બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. એક હજારથી વધુ લોકો બેસીને કાર્યક્રમને માણી શકે તેવી વિશાળ બેઠક વ્યવસ્થા કરાઈ છે. એમ્ફી થિયેટરમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને લાઈટીંગ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત તૈયાર થવા માટે ચાર રૂમ, હોલમાં એટેચ ટોઈલેટ-બાથરૂમ સાથેની વ્યવસ્થા પણ રખાઈ છે.  એમ્ફી થિયેટર બનાવવાનો આશય છે કે લોકો પોતાના પ્રસંગો મા ખોડલની નિશ્રામાં આવીને ભકિતમય માહોલમાં ઉજવે. જે કોઈને આ પ્રકારના પ્રસંગો ઉજવવા હોય તેઓને આ એમ્ફી થિયેટર ભાડેથી આપવામાં આવશે. લોકો ધાર્મિક અને પારિવારિક પ્રસંગોનું આયોજન કરે તેવી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે.

આ પ્રસંગે ડાયરો અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો હતો. લોકગાયિકા અલ્પાબેન પટેલે ગીતોની રમઝટ બોલાવી જયારે લોકસાહિત્યકાર અને હાસ્યકાર મનસુખભાઈ વસોયાએ લોકોને હાસ્યરસ પિરસીને પેટ પકડીને હસાવ્યા હતા.  એમ્ફી થિયેટરના લોકાર્પણ સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના આણદાબાવા આશ્રમના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજયના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ અને જયેશભાઈ રાદડીયા,  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણી, ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાદ્યવજીભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.

(1:26 pm IST)