Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

આણંદપુર-ભાડલામાં બ્લાસ્ટ થતા માતા-પુત્રીના મોત

ટીવી ચાલુ રાખીને સુઇ ગયા બાદ દુર્ઘટના સર્જાઇઃ પુત્ર-પિતા સાથે બહારગામ હોવાથી અને દાદા વાડીએ ગયા હોવાથી બચી ગયા

તસ્વીરમાં મૃતક માતા-પુત્રી તથા ઘટના સ્થળ નજરે પડે છે.: રાજકોટ સારવાર માટે ખસેડાયેલા મધુબેન વાઘેલા (વણકર) (તસ્વીરઃ હેમલ શાહ-ચોટીલા)

ચોટીલા, તા., ૨૨: ચોટીલાના આણંદપર ગામે ગત મધરાત્રે અકસ્માતે આગનો બનાવ બનતા માતા અને પુત્રીના મૃત્યુ નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છવાયેલ છે.

જાણવા મળતી વિગત મુજબ આણંદપુર બસ સ્ટેન્ડ નજીક આંબેડકર નગરમાં રહેતા અશોક ગોવાભાઇ વાઘેલા તેમના ભાઇ સાથે બાબરા કામ સબબ ગયેલ હતો. જેથી પરીવાર ઘરે એકલો હતો.

ગત રાત્રીના અશોકભાઇના પત્ની રંજનબેન અને ૧૦ માસની પુત્રી બંસી ઘરે એકલા હતા રાત્રે ટીવી ચાલુ હતું અને આંખ લાગી જતા સુઇ ગયેલ હતા મધરાત્રે ૧ થી ર વાગ્યાના અરસામાં ધડાકો થયેલ અને રૂમમાં આગ લાગી ગયેલ. જોરદાર અવાજથી આજુબાજુના લોકો દોડી આવેલ પરંતુ આગ વિકરાળ રૂપ પકડી લીધેલ હતું. લોકોએ બચાવ કામગીરી માટે ખુબ જહેમત ઉઠાવેલ પરંતુ બ્લાસ્ટ સાથે લાગેલ આગમાં માતા-પુત્રીના મોત નિપજયા હતા.

બચાવ માટે કામ કરતા મૃતકના જેઠાણી મધુબેન દાજી ગયેલ છે. જેઓને સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

મધરાત્રે જ ઘટનાની જાણ થતા એએસઆઇ અબ્દુલભાઇ દરવાડીયા સહીતના ઘટના સ્થળે દોડી ગયેલ બંન્ને સળગેલ મૃતદેહને ગોદડામાં વીટાળી પીએમ માટે ખસેડેલ હતા.

મરનાર રંજનબેનને એક પુત્ર અને એક પુત્રી સંતાનમાં હતા જેમાં પુત્ર સમીર (ઉ.વ.૩) તેના પિતા બહારગામ હોાથી દાદા સાથે વાડીએ આવેલ મકાન ઉપર હતો જેથી તેનો કુરદતી બચાવ થયેલ.

દેરાણી-જેઠાણી બંનેના પતિ બાબરામાં સેન્ટીંગ કામની સાઇટ પર હતાં

પડોશીઓએ જાણ કરતાં બંને તાબડતોબ ઘરે પહોંચ્યા

. આગની ઘટનામાં પત્નિ અને લાડકવાયી દિકરી ગુમાવનાર અશોકભાઇ વાઘેલા  શોકમાં ગરક થઇ ગયો છે. અશોકભાઇ અને તેનો મોટો ભાઇ અમરશીભાઇ વાઘેલા બંને સેન્ટીંગ કામની મજૂરી કરે છે. આ બંને ભાઇઓએ હાલમાં ભાડલામાં સાઇટ રાખી હોઇ બંને ત્યાં જ રોકાયા હતાં. રાત્રે ઘટનાની જાણ પડોશી મારફત થતાં બંને તાબડતોબ પોતાના ઘરે પહોંચ્યા હતાં.

આગ શોર્ટ સરકિટથી જ લાગી કે અન્ય કોઇ રીતે? એફએસએલની મદદથી તપાસ

.રાત્રે રતનબેન જે રૂમમાં સુતા હતાં તે રૂમનું એલઇડી ટીવી ભુલથી ચાલુ રહી ગયું હતું. રતનબેન ટીવી જોતા-જોતા જ સુઇ ગયા હતાં અને એ ટીવીમાં શોર્ટ સરકિટ થયા બાદ આગ લાગી હતી અને બાજુમાં ગાદલા-ગોદડા પડ્યા હોઇ તેમાં ભડકો થતાં સળગતાં ગાદલા-ગોદડા રતનબેન અને તેની દિકરી સુતા હતાં તેના ઉપર પડ્યા હતાં. તેમ રાજકોટ ખસેડાયેલા મધુબેન વાઘેલાએ જણાવ્યું હતું. આગ ખરેખર શોર્ટ સરકિટથી જ લાગી કે કેમ? તે જાણવા પોલીસ એફએસએલની મદદથી તપાસ કરશે.

જેઠાણી મધુબેને કહ્યું-દેરાણીના રૂમમાં ભડકો થતાં મારી ત્રણ દિકરીઓને હું બહાર મુકી આવી, પછી દેરાણીના દિકરાને બચાવ્યો, દેરાણી અને તેની દિકરીને હું બહાર કાઢી શકી નહિ

રાજકોટ તા. ૨૨: ચોટીલાના આણંદપર ભાડલા ગામે રાત્રે શોર્ટ સરકિટથી લાગેલી આગમાં વણકર પરિણીતા રતનબેન અશોકભાઇ વાઘેલા (ઉ.૨૫) અને તેની ૮ માસની દિકરી બંસી અશોકભાઇ વાઘેલા ભડથું થઇ જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રતનબેન સાથે તેની દિકરી ઉપરાંત ૨II વર્ષનો દિકરો સુમિત પણ સુતો હતો. રૂમમાં આગ ભભૂકતાં બાજુના રૂમમાં સુતેલા રતનબેનના જેઠાણી મધુબેન અમરશીભાઇ વાઘેલા (ઉ.૨૭) જાગી ગયા હતાં અને ભડકો જોતાં જ પોતાના રૂમમાંથી ત્રણ દિકરીઓ જ્હાન્વી (ઉ.૫), શ્રધ્ધા (ઉ.૩) અને નેહા (ઉ.૯ માસ)ને બહાર મુકી આવ્યા હતાં. એ પછી દેરાણી તથા તેના દિકરા-દિકરીને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં દેરાણીના દિકરા સુમિત (ઉ.૨ાા)ને બચાવવામાં સફળતા મળી હતી. પરંતુ દેરાણી રતનબેન અને તેની ૮ માસની દિકરી બંસીને તે બચાવી શકયા નહોતાં.

મધુબેન પોતે પણ દેરાણી અને તેના સંતાનોને બચાવવાના પ્રયાસમાં પગના ભાગે દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મધુબેને કહ્યું હતું કે રાત્રીના દેરાણી તેના રૂમમાં ટીવી જોતાં-જોતાં ટીવી ચાલુ રાખીને જ ઉંઘી ગયા હતાં. એ ટીવીમાં શોર્ટ સરકિટ થતાં આગ લાગી ગઇ હતી. દેકારો થતાં હું જાગી ગઇ હતી અને આગ જોતાં જ મારી દિકરીઓને બહાર લઇ ગઇ હતી. એ પછી દેરાણીના રૂમમાંથી તેને અને તેના સંતાનોને બચાવવા પ્રયાસ કર્યો હતો.

(1:24 pm IST)