Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમરેલી જીલ્લામાં વધુ પોલીસ ચોકીઓ બનાવી સ્ટાફની નિમણુંક કરવા પરેશ ધાનાણીની રજૂઆત

અમરેલી તા. રર :.. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું છે કે મારા વિધાનસભા મત વિસ્તાર અમરેલીમાં એક શહેર પોલીસ સ્ટેશન છે. શહેરની આસપાસના તમામ વિસ્તારોમાં નવી સોસાયટીઓ વિકસી રહેલ છે. તથા અમરેલી ખાતેની શૈક્ષણીક સંસ્થાઓમાં બહારગામથી વિદ્યાર્થીઓ અભ્યાસાથે આવે છે જેના હિસાબે અમરેલી શહેરનો રહેણાંક વિસ્તાર ચારેબાજુ નવી સોસાયટીઓ બનતાં ખુબ જ વધી રહેલ છે. જેના કારણે દૂરના વિસ્તારોમાં ચોરી, લૂંટફાટ, મારા મારી વિગેરે નાના મોટા બનાવો અવાર-નવાર બનતા રહે છે. જેની સામે અમરેલી શહેરમાં ફકત એક જ પોલીસ સ્ટેશન હોવાથી લોકોને ફરીયાદ કરવા હેરાનગતિ થાય છે.

સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ વાર પેટ્રોલીંગ ન થવાના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધતુ રહે છે. જેથી ગુનાખોરી ડામવા અને લોકો ભયમુકત રીતે જીવન જીવી શકે અને અસામાજીક તત્વોનું સામ્રાજય દુર થાય તે માટે અમરેલી શહેરમાં નીચે મુજબનાં વિસ્તારવાર પોલીસ સ્ટેશન-આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને ખૂબજ રાહત થાય અને અસામાજિક તત્વો ઉપર અંકુશ લાદી શકાય.

શહેરનાં નીચે મુજબના બાયપાસ રોડ ઉપર ક્રોસીંગ થતા રસ્તા ઉપર આઉટ પોસ્ટ ચોકીઓ બનાવી અમરેલી શહેરનું ત્રણ ભાગમાં અલગ-અલગ ડીવીઝન કરવું જરૂરી છે. જે મુજબ લાઠી બાયપાસ, ચક્કરગઢ બાયપાસ, લીલીયા, બાયપાસ, સાવરકુંડલા  બાયપાસ, કુંકાવાવ રોડ જુના જકાતનાકા ઉપર તેમજ ચિતલ રોડ, કેરીયા રોડ, ધારી રોડ ઉપર.

ઉકત સ્થળોએ બાયપાસ ક્રોસીંગ થતા રસ્તાઓ ઉપર આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓ બનાવી અલગ અલગ ડીવીઝનો અમરેલી શહેર માટે એ. ડીવીઝન તથા રેલ્વે ક્રોસીંગ બહારના તમામ વિસ્તાર માટે બી. ડીવીઝન તેમજ ઠેબી નદીપારના તમામ વિસ્તાર માટે   સી. ડીવીઝન એ મુજબ ત્રણ ડીવીઝનો બનાવી અમરેલી શહેર તથા બહારનો તમામ વિસ્તાર આવરી લઇ પોલીસ ઇન્સ્પેકટર-પોલીસ સબ ઇન્સ્પેકટરની નિમણુંક કરવી અને હાલની વસ્તી મુજબ મહેકમ મંજૂર કરવુ તથા વધુ પોલીસ વાન ફાળવવા તુર્ત જ કાર્યવાહી  કરવા અંતમાં પરેશભાઇ ધાનાણીએ માંગણી કરી છે.

(1:22 pm IST)