Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વંથલીનાં રૂ. ૩૦.પપ લાખનાં દારૂ પ્રકરણમાં સસ્પેન્શન માટે તજવીજ

ઇન્ચાર્જ એસ.પી. રવિ તેજાની વાસમ શેટ્ટી લાલઘુમઃ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાનો નિર્દેશ

જુનાગઢ તા. રરઃ વંથલીનાં રૂ. ૩૦.પપ લાખનાં દારૂ પ્રકરણમાં સસ્પેન્શનની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂની ૯૪૧૬ બોટલ પકડી પાડવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

ગઇકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરનાં હેડ કોન્સટેબલ યુસુફખાન બેલીમ વગેરેએ બાતમીનાં આધારે વંથલી તાલુકાનાં કોયલી ગામની સીમમાં ખાબકીને મોટું ઓપરેશન પાર પાડયું હતું.

જેમાં પોલીસે કાર્યવાહી દરોડા દરમ્યાન આરજે-૧૯-જીએ-૯૬૧ ૭ નંબરનાં રોલર અને જીજે.-૧૪-ટી-૪૮૯૦ નંબરનાં ટાટા ૪૦૭ ટેમ્પોમાંથી વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો ૯૪૧૬ રૂ. ૩૦,પપ,૬૦૦ની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો.

તેમજ બંને વાહનો ઉપરાંત રૂ. ૪૦૦૦ની જીપીએસ સીસ્ટમ અને દુધનાં પ્લાસ્ટીકના ૧૭ કેરેટ સહિત કુલ રૂ. પ૦ લાખ પ૯,૭૭૦ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આમ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માહી દુધનાં ટલેમ્પોમાં દારૂની હેરાફેરીનું ષડયંત્ર પકડી પાડયું હતું. જોકે આ કાર્યવાહી દરમ્યાન બંને વાહનનાં ડ્રાઇવરો અને અન્ય ત્રણ સહિત પાંચ શખ્સો નાસી ગયા હતા. આ અંગે જમાદાર યુસુફખાન બેલીમે વંથલી પોલીસમાં ગુનો નોંધાવતા પી.એસ.આઇ. કે. કે. ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.

દરમ્યાન ઇન્ચાર્જ એસ.પી. અને માંગરોળનાં એએસપી રવિ તેજાની વાસમશેટીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આ પ્રકરણમાં પ્રારંભિક તબકકે સસ્પેન્શનની તજવીજ હાથ ધરવામાં આવી છે અને દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સોની તલાશ ચાલી રહી છે.

આ બારામાં આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીનું માર્ગદર્શન મેળવી તેમની સુચના મુજબ સસ્પેન્શન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ઇન્ચાર્જ એસ.પી. રવિ તેજાની વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું.

તેઓએ આ પ્રકરણની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ માટે તપાસ જુનાગઢ ક્રાઇમ બ્રાંચને સોંપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

રૂ. ૩૦પપ લાખની કિંમતના દારૂ પ્રકરણમાં બુટલેગરોએ જીપીએસ સીસ્ટમનો ઉપયોગ કરીને પોલીસની આંખમાં ધુળ નાંખવાનો પણ પ્રયાસ કરેલ છતાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરીને સફળ કાર્યવાહી કરાઇ છે.

(1:20 pm IST)