Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ચોટીલાના દેવપરામાં મળેલ ''માથા'' વગરની લાશનુ રહસ્ય હજુય અકબંધ

મૃતદેહથી ૧૫ ફુટ દુર વાહનના ટાયરના નિશાન જોવા મળ્યાઃ હત્યા કરીને લાશ ફેંકી કોણ ગયુ-મૃતક કોણ? ભારે ચર્ચા

તસ્વીરમાં મૃતદેહ તથા પોલીસ ટીમ તપાસ કરતી નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ હેમલ શાહ- (ચોટીલા) ફઝલ ચૌહાણ-વઢવાણ)

ચોટીલા-વઢવાણ તા.૨૨: ચોટીલાનાં આણંદપુર નજીક દેવપરા ગામની સીમમાં જંગલ વિસ્તારમાં એક પુરૂષની ગળુ કપાયેલ માથા વગરની ધડ રૂપી લાશ મળી આવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ છે.

મરનાર શખ્સની ઉમર આ.૩૫ વર્ષની હોય તેમ શરીરનો બાંધો જોતા લાગે છે જેણે સ્કાય બ્લ્યુ કલરનું પેન્ટ અને કોફી જેવો શર્ટ પહેરેલ છે માથા વગરની લાશ હોવાની પોલીસને જાણ થતા બામણબોર પીએસઆઇ એ.વી પાટડીયા તથા સ્ટાફ સ્થળ ઉપર પહોચી જઇ સ્થળ પંચનામુ કરી પીએમ માટે ખસેડેલ છે.

સ્થળ પર થી એક ડાયરી આરિફ લખેલ મળી આવેલ છે તેમજ મૃત દેહ પરથી સુન્નત થયેલ હોવાનું જણાય છે જેથી પ્રાથમિક મરનાર મુસ્લિમ હોવાનું અનુમાન છે.

ખુબજ ક્રુર અને બે રહેમી પૂર્વક તિક્ષ્ણ હથિયારના ઘા થી હત્યારાએ ગળુ કાપી હત્યા નિપજાવેલ છે પોલીસને આસપાસ નજીકનાં વિસ્તારમાં તપાસ કરી પરંતુ માથાનો ભાગ કયાંય મળી આવેલ નથી તેમજ બનાવ સ્થળની સ્થિતિ જોતા હત્યા અન્યત્ર થયેલ હોય અને લાશ અહિયા નાખી ગયેલ હોવાનું પણ અનુમાન છે.

જીલ્લામાં ખુબ ઘાતકી રીતે થયેલ હત્યા બાદ મળેલ લાશનો ભેદભરમ ઉકેલવા એલસીબી સહિતની પોલીસ ટીમનો કાફલો ચોટીલા પંથકને ધમરોળી રહેલ છે ત્યારે માથા વગરની લાશને લઇને વિસ્તારમાં ચકચાર સાથે ચર્ચાનો વિષય બનેલ છે.

દરમિયાન આ મૃતદેહથી ૧૫ ફુટ દુર વાહનના ટાયરના નિશાન છે અને ગાડી રિવર્સ લીધી હોય તેવી પણ નિશાની જોવા મળી છે તેથી કોઇએ હત્યા કરીને મૃતદેહને ચોટીલા પંથકમાં ફેંકી ગયાનુ પ્રાથમિક તપાસમા ખુલ્યુ છે.

દેવપરા ગામની સીમમાંથી જ્યાંથી મૃતદેહ મળ્યો તેની નજીકના વિસ્તારોમાં પણ આ મૃતદેહની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ પણ કરી હતી પરંતુ કોઇ ઓળખ મળી નથી.

બામણબોર પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરીને આ મૃતદેહની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:38 am IST)