Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

શાપુર-વંથલી જળ હોનારતની તિથીઃ આજે પણ લોકોને કંપાવી જાય છે ભયાનક યાદ

જુનાગઢ તા.૨૨: વંથલી-શાપુરની જળહોનારતની આજે તિથી છે આજે પણ ભયાનક યાદ લોકોને કંપાવી જાય છે. ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં ગાંડીતુર બનેલી નદીઓના પાણી બંને શહેર અને આસપાસના વિસ્તારમાં ફળી વળતા ભારે તારાજી સર્જી દીધી હતી.

વંથલી-શાપુર પંથકમાં ગત ૨૨ જૂન ૧૯૮૩નો દિવસ ભયાનક રહ્યો હતો. દિવસે ૭૦ ઇંચ જેટલો વરસાદ પડતાં ઓઝત,ઉબેણ,મધુવંતી નદીઓમાં ભારે પુર આવતા ગાંડીતુર બની હતી અને ભયાનક જળ હોનારતથી વંથલી-શાપુર સહિતના આસપાસનાં વિસ્તારો ૪૮ કલાક સુધી પાણીમાં ગરકાવ બન્યા હતા. લોકોએ બે દિવસ સુધી મકાનના નળીયા, છાપરા, વૃક્ષો પર રાત વિતાવી હતી. રેલ્વે લાઇન સંપૂર્ણ ધોવાઇ ગઇ હતી. એક પણ વીજપોલ બચ્યો હતો. ટેલીફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. રસ્તાઓ સાવ તુટી ગયા હતા. અનેક લોકો અને પશુઓ મોતને ભેટી ગયા હતા. સેવાભાવી યુવાનોએ તરત બચાવ કામગીરી શરૂ કરી પુરમાં ફસાયેલા લોકોને દોરડા વડે બહાર કાઢી સલામત સ્થળે પહોંચ્યાડયા હતા. હોનારતની જાણ કરવા બે તરવૈયા યુવાનોને ચીઠ્ઠી લઇને જૂનાગઢ મોકલવામાં આવ્યા બાદ તંત્ર મદદ માટે દોડતું થયું હતું. આજે પણ ૧૯૮૩ની જળ હોનારતને યાદ કરતા ભય પસાર થઇ જાય છે.

જળ હોનારતમાં ૧૨૦૦ લોકોનાં મોત થયાં હતા. તેમજ સેંકડો પશુઓ મોતને ભેટી ગયા હતા એમ શાપુર ગામનાં આગેવાન વાલજીભાઇ ફળદુએ જણાવ્યું હતું.

ભયાનકજળપ્રકોપનાં ચોથા દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ આવી પહોંચી તારાજી અને લોકોની સ્થિતિ જોઇ અંદરથી હચમચી ઉઠયા હતા.

(11:28 am IST)