Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સંપન્ન

જસદણ, તા. રર : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ અને સીએલપી ઇન્ડીયાના સંયુકત ઉપક્રમે જસદણ અને ચોટીલા તાલુકાના ૭ ગામોમાં ગામ લોકોને સાથે રાખીને 'આરોહણ પ્રોજેકટ' દ્વારા પાણી, શિક્ષણ અને આજીવિકા સબંધિત વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ દ્વારા આરોહણ પ્રોજેકટ અંતર્ગત જસદણ તાલુકાના કમલળાપુર અને ચોટીલા તાલુકાના પીપળીયા ગામના બહેનો-ભાઇઓ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 'બીટ એર પોલ્યુશન' થીમ પર પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની હેડ ઓફીસ અમદાવાદ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં સહભાગી થયા હતા. એ નિમિતે કમલાપુરના સંજયભાઇ પ્રજાપતિએ માટીના ચાકડા પર વિવિધ વાસણો બનાવી લોકોને અવેર કર્યા કે સાચી ઠંડક આપણી માટી જ આપે છે, જે બનાવમાં ફેકટરીની જરૂર નથી અને ધુમાડો વાતાવરણમાં ભળતો નથી અને બાળકોને માટીના વાસણો બનાવવાનો અનુભવ પણ કરાવ્યો.

પીપળીયા ગામના રિજવાનાબેન, ધર્મિષ્ઠાબેન, અર્ચનાબેન, કાજલબેન, પાયલબેન, માધવીબેન અને સમીરભાઇ વગેરેએ આ ગરમીમાં ઠંડક મળે એ માટે ૧૦ પ્રકારના નેચરલ શરબત બનાવી લોકોને પીરસ્યા હતાં. જેમાં લીબુનું, ફિડલાનું, તકમરિયાનું, વરીયાળીનું કાચી કેરીનું, આબલીનું, બિલાનું, ફુદીનાનું, નાગરવેલનું, નેચરલફ્રૂટી વગેરેનો સમાવેશ થાય છે.

આ શરબતમાં કયાંય કેમિકલ, કલર કે એસેનસનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જેના કારણે કોઇ ફેકટરીની જરૂર નથી અને હવા વાતાવરણને બગાડે તેવા વાયુનું નિર્માણ થતું નથી. ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે તેવી ઘઉની સેવ કેસુડા અને સરગવાના પાનનો પાવડર તેમજ ગોબરમાંથી બનાવેલ વસ્તુઓ કુંડા, માળા, તોરણ, રાખડી, મોબાઇલ ચિપ્સ વગેરે બહેનોએ જાતે બનાવીને પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. આપણે જેટલા નેચરની નજીક રહીએ અને જીવન જરૂરી ચીજ વિવેકથી વાપરીએ તો પર્યાવરણને બચાવી શકીશું.

સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન સુમન રાઠોડે આપ્યું અને સંચાલન રીટા વોરાએ કર્યું હતું.

(11:27 am IST)