Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

યોગથી શરીરને તંદુરસ્તી અને મનને શાંતી મળે છેઃ ધર્મેન્દ્રસિંહ જાડેજા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા તા.૨૧: યોગ એ માનસિક અને નૈતિક મૂલ્યો સંબંધી શિક્ષણ છે. વ્યકિતની છૂપી શકિતઓને સંતુલિતપણે સુધારવાની અથવા વિકસાવાની એક પધ્ધતિ છે. તે પોતાની જાતને સંપૂર્ણપણે જાણવાના સાધન પૂરા પાડે છે. ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને વિશ્વમાં સ્વીકૃતિ મળતા આજ ૨૧ જૂનના પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા કુટીર ઉદ્યોગ રા.ક.મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હજારો લોકો સ્વૈચ્છાએ યોગમાં જોડાયા હતા. ઉપરાંત તાલુકાની શાળા કોલેજોમામાં તેમજ જિલ્લાના ૧૦ આઇકોનિક સ્થળો પર પણ યોગ દિવસની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી.

મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. તેનાથી ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળી છે. યોગથી શરીરને તંદુરસ્તી અને મનને શાંતી મળે છે. તેમણે દરેકને નિયમિત યોગ કરવા અપિલ કરી હતી.

કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ જિલ્લામાં કુલ ૧૧૦૦ જેટલા કેન્દ્રો પર ૨ લાખ ઉપરાંતના લોકો આજે યોગના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમ જણાવી આ કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના બાળકો,શિક્ષકો, જાગૃત નાગરિકો, અધિકારીઓ સૌને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પી.એસ.જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્રી શ્વેતાબેન શુકલ, ઉપપ્રમુખ શ્રી પી.એમ.ગઢવી, દેવભૂમિ દ્વારકાના જીલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલ, જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, અધિક કલેકટરશ્રી પટેલ, પ્રાંત અધિકારીશ્રી ઉંધાડ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી રાવલીયા, શિક્ષણખાતાના અધિકારીશ્રીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક, સામાજિક, વ્યવસાયિક સંસ્થાઓ, નગરશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વ્યાયામ શિક્ષકો તથા મોટીસંખ્યામાં શાળા કોલેજનોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સ્ટેજ પરથી માસ્ટર ટ્રેનર શ્રી પુનમબેન ચંદારાણા દ્વારા સૌને યોગા કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેરામોરા સ્કુલના આચાર્યશ્રી જયોતિશ ચૌધરીએ કર્યુ હતું.

(11:25 am IST)