Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સરકારી મગફળીમાં નીકળ્યા ધૂળ અને ઢેફા- ગાંધીધામના સરકારી ગોડાઉનમાં જનતા રેડ દરમ્યાન ખુલી પોલ,

ભુજ  :રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરાયેલ વિવિધ ખેતપેદાશોની ખરીદી દરમ્યાન થયેલા કૌભાંડોએ ગુજરાત ભાજપની પ્રતિષ્ઠા સામે સવાલો ખડા કર્યા છે. કચ્છમાં ગાંધીધામ મધ્યે સરકારી ગોડાઉન ઉપર પડેલ જનતા રેડે ફરી એકવાર મગફળી કૌભાંડને ગાજતું કર્યું છે. ગુજરાત પ્રદેશના કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા અને કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની નીચે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજ્ય સરકાર દ્વારા રખાયેલા વેરહાઉસમાં મગફળીના જથ્થા ઉપર રેડ પાડીને મગફળીની ગુણીઓ ખોલીને તપાસી ત્યારે તેમાં ધૂળ અને ઢેફા નીકળ્યા હતા. કચ્છ કોંગ્રેસના પ્રવક્તા ચેતન જોશીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે જનતા રેડ પાડી ત્યારે મગફળી કૌભાંડ આચરાયું હોવાના ગુજરાત કોંગ્રેસના આક્ષેપો સાચા પુરવાર થયા છે. ગાંધીધામના આ જ ગોડાઉન ઉપર ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ધરણા કરીને મગફળી કૌભાંડ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગ્રેસના કિસાન આગેવાન પાલભાઈ આંબલિયા અને યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે સરકાર હવે કૌભાંડને છુપાવવા માટે મગફળીનો જથ્થો બજારમાં ઠાલવી રહી છે. ખરેખર સરકાર મગફળી કૌભાંડની તપાસ કરીને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાને બદલે હવે એકાએક ધૂળ અને ઢેફા વાળા જથ્થાને વેંચીને સમગ્ર મગફળી કૌભાંડ ઉપર લીપાપોતી કરી રહી છે. ગાંધીધામમાં ૩૬ જેટલા ગોડાઉનોમાં લાખો ટન મગફળીનો જથ્થો છે. આથી અગાઉ અહીં મગફળીના જથ્થામાં બનેલો આગ નો બનાવ પણ વિવાદિત રહ્યો હતો. 

(11:05 pm IST)