Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જેતપુરમાં દારૂનું ખુલ્લેઆમ વેંચાણ : શાંતીથી જીવતા લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિ

પૂર્વ કારોબારી ચેરમેન માધાભાઇ વેગડાએ વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો

જેતપુર તા.૨૨ : શહેરમાં દારૂનો વેપલો બે રોકટોક થતો હોય પોલીસ રેડ કરી દારૂ કબ્જે કરે છે. તેના કરતા અનેકગણો દેશી અને ઇંગ્લીશ દારૂ વેચાય છે અને પિવાય છે. લગ્ની સીઝનમાં તો દારૂ એક રિવાજ બની ગયો હોય તેમ પીવાય છે. દારૂના ધંધાર્થી તગડી કમાણી થતી હોય આ ધંધામાં નવા નવા લોકો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે.

અત્રેના ગોંડલ દરવાજા દલિત વાસ વિસ્તારમાં રહેતા પૂર્વ કારોબારી ચેરમેન માધાભાઇ વેગડાએ મુખ્યમંત્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને દારૂના વેચાણ અંગે આવેદનપત્ર પાઠવેલ. જેમાં ખાસ ઉલ્લેખ કરેલ છે કે સ્થાનિક પોલીસે વિશ્વાસ ગુમાવેલ હોય તેમને નકલ આપેલ નથી. આ આવેદનપત્રમાં સ્થાનિક પોલીસ ઉપર ખુલ્લો આક્ષેપ કરતા જણાવેલ કે, શહેરના અનેક વિસ્તારોમાં પોલીસની મીઠી નજર હેઠળ દારૂનું વેચાણ બેફામ ખુલ્લેઆમ થાય છે.

અમારા વિસ્તારમાં શાંતિથી જીવવા લોકોને હીઝરત કરવી પડે તેવો માહોલ બની ગયો છે. અસામાજીક તત્વો આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂની હેરફેર કરે છે અને અવારનવાર તલવાર, છરી, ધોકા, પાઇપ જેવા ઘાતક હથિયારો લઇ રાહદારી તેમજ વેપારીઓને પરેશાન કરે છે. આવા તત્વો શારીરીક, માનસિક ત્રાસ આપી આતંકનું વાતાવરણ સર્જી દે છે. જેથી તેની સામે કોઇ ફરિયાદ કરવા જતુ નથી.

દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીનો જાણે પરવાનો આપેલ હોય તેમ અહી દારૂ વેચાય છે. આ અગાઉ પણ પોલીસને રજૂઆતો કરેલ હોવા છતા કોઇ ઠોસ પગલા લેવાયા નથી. માત્ર દેખાવ પુરતી રેડ કરી પોતાની કામગીરી બતાવે છે. તો આ પ્રશ્ને તાત્કાલીક ઠોસ પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર ઉતરવાની ચિમકી આપેલ છે.

(11:32 am IST)