Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કાલે ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી : ભાજપ બલિદાન દિવસ તરીકે ઉજવાશે

જૂનાગઢ : ભારતીય જનસંઘના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની કાલે પુણ્યતિથી છે ત્યારે ભાજપ દ્વારા બલિદાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી એટલે પોતાનું બલિદાન આપીને કાશ્મીરને બચાવનાર મહામાનવ, એક શહીદ. ત્રેપન ચોપ્પન વર્ષના આયુષ્યમાં જ ત્યાગ, બલિદાન, સમર્પણની અમીટ છાપ મુકી ગયા.

ડો.મુખર્જી અચ્છા શિક્ષણશાસ્ત્રી, ઉત્તમ વહીવટકર્તા, ઉત્તમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરીયન, આમૂલ દેશભકિતનું પ્રતિક હતા. ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ રાજકીય સંસ્કૃતિ જન્માવી હતી. તેમણે કોઇ મુદ્દે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા. સત્તાનો મોહ એમને કયારેય ડગાવી ન શકયો. તેમણે સ્વાર્થ માટે યથાર્થનું સત્યનો કદી ભોગ નહોતો ચડાવ્યો.

સ્વભાવથી તેઓ શિક્ષણક્ષેત્રના માણસ હતા. ૩૩ વર્ષની ઉંમરમાં જ કોલકાતા વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ બન્યા હતા. તેમના પિતા આશુતોષ મુખર્જી આ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ રહી ચુકયા હતા. તેમણે પિતાનો વારસો બરાબર જાળવ્યો. ભારતની સૌથી જૂની યુનિવર્સીટીના તેઓ સૌથી નાની વયના ઉપકુલપતિ હતા. પરંતુ નિર્ભયતા, રચનાત્મક અભિગમ, સુસ્પષ્ટ કલ્પના શકિત અને યોગ્ય આયોજન તથા વ્યવહારૂ નિતીઓ દ્વારા તેમણે શિક્ષણક્ષેત્રે નવા નવા પ્રયોગો કર્યા. પરિણામે કોલકાતા યુનિ. દેશની એક અગ્રગણ્ય યુનિ.બની ગઇ. ૧૯૩૪ થી ૧૯૩૮ ના ટુંકા સમયમાં તેમણે પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓની અપૂર્વ ચાહના પ્રાપ્ત કરી. તેઓ ગોખણીયા શિક્ષણ પધ્ધતીથી વિરૂધ્ધ હતા. માત્ર નોકરી મેળવવાની દ્રષ્ટીથી ભણતર, થોડા વિષયોની માહિતી વિદ્યાર્થીના મનમાં ઠાંસી ઠાંસીને ભરવી આપણી મૃત્યુંજયી સંસ્કૃતિને ભુલાવી દે એવું શિક્ષણ વગેરે એમને અભિપ્રેત નહોતુ.

આર.એસ.એસ.ના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરૂજી (માધવરાવ સદાશિવરાવ ગોલવલકર) સાથેની તેમની મુલાકાતો પરિણામદાયી રહી. હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ડો.મુખર્જીએ સ્વીકાર્યો. હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું નથી તે તો અનાદિકાળથી અસ્તિત્વમાં છે જ એને મજબૂત બનાવવુ અને એ રીતે મૂળભૂત સાંસ્કૃતિક પ્રવાહમાં સમગ્ર દેશને તરબોળ કરીએ તો આપણી ધરતી, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને અનુકુળ રાષ્ટ્રીય માળખુ રચાય. શ્રી ગુરૂજીએ એમની વાત બરાબર સાંભળ્યા પછી કહ્યુ કે, હું તમને આંશિક રીતે મદદ રૂપ થઇ શકુ. થોડા ઘડાયેલા વિચારશીલ કાર્યકર્તા હુ આપીશ. તે પક્ષનું સંગઠન રચવામાં મદદરૂપ થશે તેમ છતા અમે ઇચ્છીએ ત્યારે તેમને પાછા પણ બોલાવી શકીશું.આ સિવાય સંઘ સીધી રીતે બીજી કોઇ રીતે રાજકારણ સાથે નહી સંકળાય. કોઇ રાજકીય પક્ષનું અવલંબન લઇને સામાજીક સાંસ્કૃતિક સંગઠન ચાલી ન શકે. આ મુદ્દે સંમતિ સધાયા પછી પં.દિનદયાળ ઉપાધ્યાય, શ્રી અટલ બિહારી બાજપાઇ, ડો.ભાઇ મહાવીર, શ્રી સુંદરસિંહ ભંડારી, શ્રી યજ્ઞદત્તા શર્મા, શ્રી જગન્નાથરાવ જોશી, શ્રી કુશાભાઉ ઠાકરે, ગુજરાતમાં વસંતભાઇ ગજેન્દ્ર ગડકર, મહારાષ્ટ્રમાં વસંત ભાગવત જેવા પ્રચારક કક્ષાના કાર્યકર્તાઓ એક સાથે નહી પણ જરૂર પડી તેમ આપ્યા. આ રીતે ઓકટોબર ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના થઇ હતી.

દેશની એકતા અને અખંડીતતા માટે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ મોત સ્વીકાર્યુ. સમાધાન ન કર્યુ. કાશ્મીરનો કલમ ૩૭૦ મુજબ અલગ દરજજો તેમને માન્ય નહોતો. કાશ્મીરનું અલગ બંધારણ, અલગ ધ્વજ, ભારતને સમયાંતર વડાપ્રધાન (વજીરે આઝમ) અને રાષ્ટ્રપતિ (સદરે રિયાસત)ના હોદ્દા તેમને માન્ય નહતા. લડાખના નેતા શ્રી કુશક બકુલાએ કાશ્મીરના ભારત સાથેના સંપુર્ણ વિલીનીકરણને સમર્થન આપ્યુ. તે પહેલા જમ્મુ કાશ્મીર પ્રજા પરિષદે આ માંગણી સાથે આંદોલન આરંભ્યુ હતુ. પં.પ્રેમનાથ ડોગરા તેમના પ્રમુખ હતા. તેના સંઘર્ષના ત્રણ તબકકા હતા. એક ૧૯૪૮નો, બીજો ૧૯૫૦ - ૫૧ અને ત્રીજો ૧૯૫૧-૫૩ નો ડો.મુખર્જીની આગેવાની હેઠળ ભારતીય જનસંઘે તેને સમર્થ આપ્યુ હતુ. એક દેશમે દો વિધાન (બંધારણ), દો નિશાન (ધ્વજ), દો પ્રધાન નહી ચલેંગે નહી ચલેંગેનો નારો સમગ્ર દેશમાં બુલંદ બન્યો હતો.આંદોલનકારીઓ સામે જુલમો સિતમનો દોર ચાલ્યો. ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ખૂબ વ્યથિત હતા. રા.સ્વ.સંઘે પણ ૧૯૫૩ના માર્ચમાં અ.ભા.પ્રતિનિધિ સભામાં દમનકારી પગલા વખોડી કાઢતો ઠરાવ કર્યો. પ્રજા પરિષદની ન્યાયી માંગણી સ્વીકારવાની માંગણી કરી.

ત્યારે કાશ્મીર જાણે અલગ દેશ હોય એ રીતે ત્યા જવા પરમીટ લેવી પડતી. આ પરમીટ પ્રથા ભારતની નહેરૂ સરકારે લાદી હતી. ડો.મુખર્જીએ એનો ભંગ કરીને કાશ્મીરમાં પ્રવેશવાની ઘોષણા કરી. કાનપુર ખાતે ચાલી રહેલા જનસંઘના અધિવેશમાં પ્રજા પરિષદનું પ્રતિનિધિ મંડળ તેમને મળ્યુ તે પછી આ ઘોષણા થઇ હતી. ડો.મુખર્જીએ ભારતના વડાપ્રધાન અને કાશ્મીરના વજીરે આઝમ (મુખ્યમંત્રી) શેખ અબ્દુલ્લાને તેની જાણ કરી. અબ્દુલ્લાએ જવાબ આપ્યો કે, તમારા આવવાથી કોઇ ફરક નહી પડે. ડો.મુખર્જીએ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે ત્યા જવા માંગુ છુ એમ કહ્યુ હતુ.ઉશ્કેરાટ ઘટે તેવા પ્રયત્નો કરવા કાશ્મીર આવુ છુ. આપને પણ મળવુ છે એવુ લખ્યુુ હતુ પણ શેખ અબ્દુલ્લાએ ઇન્કાર કર્યો. ડો.મુખર્જીએ કહ્યુ કે, શેખ સાહેબ ન મળવુ હોય તો ન મળે હુ તો જઇશ.૧૯૫૩ના મે મહિનાની ૧૧મી તારીખે પંજાબથી માધોપુર જઇ રાવી નદીનો પુલ ઓળંગવાનો પ્રયાસ કર્યો ત્યારે સંઘના તાત્કાલીક સરસંઘચાલક શ્રી ગુરૂજીએ તાર કરીને તેમને કાશ્મીર ન જવા સલાહ આપી હતી. પણ એ તાર પહોચે તે પહેલા તેઓ રવાના થઇ ચૂકયા હતા. શ્રી ગુરૂજીને કદાચ અણસાર આવી ગયો હતો કે, કંઇક ખોટુ થઇ રહ્યુ છે. શ્યામાપ્રસાદજી કાશ્મીરથી પાછા નહી આવે.

જમ્મુ - કાશ્મીર સરકારે દેખો ત્યાથી ઠાર કરોના હુકમ આપેલા છતા રોજ ત્રિરંગો ફરકાવવા યુવાનો જતા અને ગોળીનો શિકાર થતા. જૂન મહિના સુધીમાં જમ્મુમાં ૩૭ યુવાનો આ રીતે શહીદ થયા હતા. ૯ મી ઓગષ્ટ ૧૯૫૩ના દિવસે શેખ અબ્દુલ્લાની ધરપકડથી પરાકાષ્ટા આવી. ૨૧ મી ઓગષ્ટે શેખ અબ્દુલ્લાએ કરવા ધારેલા બળવાના સજજડ પુરાવા ભારતીય સરકારના મંત્રી મંડળ સમક્ષ રજૂ થતા પં. નહેરૂ પણ તેને બચાવી શકયા ન હતા.

અહીથી પરિવર્તનનો આરંભ થયો. ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના મૃત્યુ પછી જ

૧) પરમીટ પ્રથા નાબૂદ થઇ (ર) ભારત સાથે જમ્મુ કાશ્મીરનું એકીકરણ થયુ (૩) ભારતનો રાષ્ટ્રધ્વજ જમ્મુ કાશ્મીરમાં પણ ફરકતો થયો. (૪) વજીરે આઝમ હવે મુખ્યમંત્રી અને સદરે રિયાસત ગર્વનર કહેવાયા (પ) ભારતની સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર જમ્મુ કાશ્મીર સુધી વિસ્તર્યુ (૬) ભારતની ચુંટણી પંચને પણ ચુંટણી પ્રક્રિયા સંભાળવાનો મર્યાદીત પણ અધિકાર મળ્યો. હજી ભારતનું ચુંટણી પંચ ત્યા મત વિસ્તારોનું પુનર્ગઠન (ડી-લીમીટેશન) કરી શકતુ નથી પણ ચુંટણી પ્રક્રિયા તેને હસ્તગત થઇ (૭) ભારતના કેટલાક કાયદા જમ્મુ કાશ્મીરને પણ લાગુ થયા.

આ અને તે પછી થયેલા ફેરફારો ડો.મુખર્જીના બલિદાનને આભારી છે. તેમણે ખુદ મૃત્યુને આલીંગન કરીને કાશ્મીર બચાવ્યુ. પાછળથી પ્રજા પરિષદ જનસંઘમાં ભળી ગઇ. પં.પ્રેમનાથ ડોગરા તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

:- સંકલન -: પ્રદિપભાઇ ખીમાણી

પ્રદેશ કન્વીનર - ભાજપ ગુજરાપ પ્રદેશ નગરપાલીકા સેલ જૂનાગઢ મો. ૯૪૨૬૭ ૧૭૦૦૦

(11:29 am IST)