Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સરધારના ગોડાઉનમાંથી મજૂરો પીજીવીસીએલનો ૧૨II લાખનો સામાન ભરી રફુચક્કર થઇ ગયા

કોન્ટ્રાકટર રાજશેભાઇ પરમારની ફરિયાદ પરથી દિનેશ મેરાટ સહિત પાંચ શખ્સો સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૨: સરધાર હરિહપર રોડ પર પથ્થરની ખાણ પાસે આવેલા  પીજીવીસીએલના ગોડાઉનમાંથી રાજસ્થાની મજૂરો રૂ.૧૨,૪૫,૮૦૯નો સામાન આઇશર ટ્રકમાં ભરી ભાગી જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવ અંગે જસદણ ડો. આંબેડકરનગર-૫માં રહેતાં અને પીજીવીસીએલનો કોન્ટ્રાકટ ધરાવતાં રાજેશભાઇ લક્ષમણભાઇ પરમારની ફરિયાદ પરથી રાજસ્થનના રામચમન જીલ્લાના ભીમ તાલુકાના માનાનગરા ગામના દિનેશ ગોપીભાઇ મેરાટ તથા ચાર બીજા મજૂરો સામે આજીડેમ પોલીસે આઇપીસી ૩૮૧, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

રાજેશભાઇના કહેવા મુજબ પોતે સરધાર સબ ડિવીઝનમાં પેટા કોન્ટ્રાકટર છે અને તેની સાથે રાજસ્થાનના મજૂરો ખોડા ખોદવાનું, થાંભલા ફીટ કરવાનું તથા વાયરીંગનું કામ કરે છે. જુદી-જુદી સાઇટો માટે પીજીવીસીએલ દ્વારા જે સામાન અપાય છે તે સરધારના ગોડાઉનમાં રખાય છે. તેની દેખરેખ પણ પોતે રાખે છે. હાલમાં પોતાની સાથે દિનેશ તથા બીજા બે રાજસ્થાની મજૂરો કામ કરતાં હતાં.

તા. ૧૩/૬ના રોજ પીજીવીસીએલના સામાનમાં કલરકામ ચાલુ હોઇ કોઇ મજૂર સાઇટ પર આવ્યા નહોતાં. સાંજના સમયે સુપરવાઇઝર કેતનભાઇને દિનેશે ફોન કરીને કહેલ કે તેને વહેલી સવારે મકનપરની સાઇટ પર જવું છે જેથી મુકી જજો. ૧૪મીએ સવારે સાડા સાતેક વાગ્યે કેતનભાઇએ ગોડાઉન પર આવીને જોયું તો કોઇ મજૂર હાજર નહોતા અને પીજીવીસીએલનો સામાન જેમ કે કન્ડકટ, એલ. પી. કેબલ, વિકોસ, એન્ગલ, એસએસ સેટ, ટી.સી., વાયર સહિતનો રૂ. ૧૨,૪૫,૮૦૯નો સામાન ગાયબ જણાતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં આઇશર ટ્રકમાં માલ ભરાયો હોવાની માહિતી મળી હતી.   ધારેશ્વર મંદિર સામે ચાની હોટલે આઇશરવાળા હરિપર માર્ગનું સરનામુ પુછતાં પણ કેમેરામાં દેખાય છે. ડ્રાઇવર તથા મજૂર દિનેશ સહિતના પાંચ શખ્સો આ માલ ચોરી ગયાનું જણાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. લાઇટના ઝાંખા પ્રકાશમાં વાહનના નંબર જોઇ શકાયા નથી. આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઇ આર. વી. કડછાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:55 am IST)