Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સ્વનો પ્રારંભ

શહેરી વિસ્તારોમાં રાજય સરકાર દ્વારા આયોજનઃ જુદી-જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

રાજકોટ તા. રર :.. આજથી રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો બે દિવસથી પ્રારંભ થયો છે.

આજથી બે દિવસ શહેરી વિસ્તારોમાં રાજય સરકાર દ્વારા જૂદી-જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

મોરબી

મોરબીઃ રાજયવ્યાપી શહેરી વિસ્તારનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૮નો આજથી થી પ્રાંરભ થઈ થયો જે અંતર્ગત આજે મોરબી જિલ્લા શહેરી વિસ્તારમાં આવેલી હાઇસ્કૂલો તથા પ્રાથમિક શાળાઓમાં ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડીયા તથા ગુજરાત રાજય વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ નટુભાઇ મકવાણા તેમજ જુદી જુદી કચેરીઓના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે.

મોરબી જિલ્લાની ચાર નગરપાલીકા વિસ્તારમાં યોજાનાર શહેરી શાળા પ્રવેશોત્સવમાં કુલ-૭૮ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ધોરણમાં કુમાર-૭૭૨ અને ૭૯૯ કન્યામળી કુલ ૧૫૭૧ બાળકોને તથા હાઇસ્કૂલમાં ધોરણ-૯માં ૧૯ હાઇસ્કૂલમાં મળી કુમાર ૧૦૦૯ અને કન્યા ૧૫૫૮ મળી કુલ -૨૫૬૭ બાળકોને રંગેચંગે ઉત્સાહમય વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવાશે.

જુનાગઢ

જુનાગઢઃ ક્રાંતિકારી વિચારનાં પ્રેરક અને પ્રણેતા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી કન્યાકેળવણી રથયાત્રા અને શાળાપ્રવેશોત્સવની શરૂઆત કરી ''સૈાનો સાથ સૈાનો વિકાસ'' સુત્રને સાર્થક કરતાં સમાજને સાથે જોડીને છેલ્લા ૧૫ વર્ષનાં અવિરત પ્રયાસોથી પ્રથમિક શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકનનાં લક્ષ્યને હાંસલ કરવા કાર્યક્રમો અમલી છે. શિક્ષણ એ અવિરત સાધના છે. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની સફળતાથી પ્રેરાઇને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને પ્રેરણાથી માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યુ છે. પ્રાથમિક અને માધ્યમિક બન્ને કક્ષાએ શહેરી કક્ષાએ તા. ૨૨ અને ૨૩ જૂનનાં રોજ યોજાયે  યોજનાર છે. રાજય પાઠ્યપુસ્તક મંડળનાં કાર્યકારી અધ્યક્ષ ડો. નિતીનભાઇ પેથાણી તા. ૨૨ જુને કે.જી.ચૈાહાણ કન્યા વિદ્યાલય અને ટીંબાવાડી શાળામાં વિદ્યાર્થીઓને સવારે ૮-૦૦ કલાકે શાળા પ્રવેશ અપાવી ૧૧-૦૦ કલાકે એમ.જી.ભુવા કન્યા વિદ્યામંદિર જોષીપરા અને જોષીપરા પે સેન્ટરનાં વિદ્યાર્થીઓને શાળામાં નામાંકન કરાવી પ્રવેશ અપાવશે. તા. ૨૩ જૂનનાં રોજ ડો. પેથાણી ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ, વણજારી પ્રાથમીક શાળા અને કન્યાશાળા ચીતાખાના ચોક ખાતે બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે. ૧૧-૦૦ કલાકે સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય માધ્યમિક વિભાગ અને જવાહર પ્રા.શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે. જૂનાગઢ જિલ્લાનાં નવ તાલુકામાં શહેરી વિસ્તારની સરકારી કુલ ૮૦ શાળા આવેલી છે. જયારે ૧૭ માધ્યમિક શાળાઓ છે. જેમાં સર્વે આધારીત પ્રવેશપાત્ર કુમાર ૧૦૦૮ અને કન્યા ૧૦૬૦ મળીને ૨૦૬૮ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. આ કાર્યક્રમ દરમ્યાન આંગણવાડી તથા શાળા છોડી ગયેલા બાળકોના પ્રવેશોનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. માનવીના વિકાસ માટેનો સૈાથી મહત્વનો આયામ શિક્ષણ છે. ગુજરાતની ભાવી પેઢી સુરક્ષીત,સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી બને તે માટે આપણા સહુનાં સહિયારા પ્રયત્નો અવશ્ય રંગ લાવશે,તેવા વિશ્વાસ સાથે આવો આપણે પણ શાળા પ્રવેશોત્સવનાં શહેરી વિસ્તારની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બની  સમાજઋણ અદા કરવા મહયજ્ઞમાં જોડાઇએ. (૨૨.૨)

(10:55 am IST)