Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

મોરબીમાં રિક્ષાચાલકની દીકરીની ધોરણ ૧૦માં સિધ્ધિ

ધોરણ ૧૦નું મોરબી જિલ્લાનું ૭૪.૦૯ ટકા પરિણામ, સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન જિલ્લામાં ૧૬૦ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉતીર્ણ

મોરબી તા. ૨૨ : રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના પરિણામો જાહેર કરાયા છે. જેમાં મોરબી જીલ્લો ૭૪.૦૯ ટકા સાથે સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાને રહ્યો છે અને એ ૧ ગ્રેડ સાથે કુલ ૧૬૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

મોરબી જીલ્લાનું ધોરણ ૧૦ નું ૭૪.૦૯ ટકા ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે અને સમગ્ર રાજયમાં સુરત બાદ મોરબી જિલ્લાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. મોરબી જીલ્લાના કુલ ૧૨૭૦૨ માંથી ૧૨૬૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૧૬૦ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે જયારે એ ૨ ગ્રેડ સાથે ૮૩૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

જીલ્લામાં સિંધાવદર કેન્દ્ર પ્રથમ

મોરબી જીલ્લામાં મોરબી, વાંકાનેર, વવાણીયા, ટંકારા, જેતપર (મચ્છુ) સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા અને પીપળીયા એમ ૧૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી જેમાં સિંધાવદર ગામમાં કેન્દ્રનું સૌથી વધુ ૭૮.૦૧ ટકા પરિણામ આવ્યું છે જયારે સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું ૫૦.૮૩ ટકા પરિણામ નોંધાયું છે ઙ્ગ

ડોકટર દંપતીની દીકરી જીલ્લામાં પ્રથમ

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીની શેરશીયા અલીનાએ ૯૭ ટકા અને ૯૯.૯૯ પીઆર સાથે સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અલીનાના પિતા અને માતા બંને ડોકટર છે અને ભાઈ મેડીકલ અભ્યાસ કરે છે ત્યારે અલીનાને પણ માતાપિતા અને ભાઈની જેમ ડોકટર બનવું છે.

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મુછડીયા નિકિતાએ ૯૬.૧૭ ટકા અને ૯૯.૯૮ પીઆર મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. નિકીતાના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જેની દીકરીએ પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે નિકીતાને આગળ અભ્યાસ કરીને પ્રોફેસર બનવું છે.

શિક્ષક દંપતીની દીકરીને બનવું છે ડોકટર

મોરબીની નવયુગ સ્કૂલમાં અભ્યાસ કરતી કિંજલ ચેતનકુમાર પરેચાએ ૯૯.૯૮ પીઆર અને ૯૬.૩૩ ટકા મેળવ્યા છે. માતાપિતા બંને શિક્ષક છે અને શિક્ષક દંપતીની પુત્રીને મેડીકલ ક્ષેત્રમાં આગળ વધીને ડોકટર બનવું છે.

નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીએ મેળવી સિદ્ઘિ

મોરબીની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ડાંગર સ્નેહ નારણભાઈએ ૯૯.૯૮ પીઆર મેળવ્યા છે. પિતા સરકારી શાળામાં શિક્ષક છે શાળામાં અભ્યાસ ઉપરાંત વાંચન કરીને આ સિદ્ઘી પ્રાપ્ત કરી છે. ડાંગર સ્નેહને આગળ અભ્યાસ કરીને ડોકટર બનવાનું સ્વપ્ન છે.

(1:23 pm IST)