Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જુનાગઢમાં લોહાણા યુવક હાર્દિક વિઠ્ઠલાણીની હત્યા કરનાર પિતા-પુત્ર રિમાન્ડ ઉપર

અન્ય ફરાર શખ્સોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

તસ્વીરમાં ઝડપાયેલ પિતા-પુત્ર નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

જૂનાગઢ તા. ર૧ :.. જૂનાગઢનાં લોહાણા યુવકનાં હત્યારા પિતા-પુત્રને પોલીસે રીમાન્ડ ઉપર મેળવી અને અન્ય ફરાર શખ્સોને ઝડપી લેવા તપાસ સઘન બનાવી છે.

જુનાગઢની એક ખાનગી ફાયનાન્સ કંપનીનાં રિકવરી કર્મચારી ચિરાગભાઇ અશોકભાઇ વિઠ્ઠલાણી અને તેના ભાઇ હાર્દિક- ઉપર શનીવારે રાત્રે સાત શખ્સોએ હુમલો કરી અને હાર્દિકભાઇની હત્યા કરી ચિરાગ વિઠ્ઠલાણીને ઇજા પહોંચાડી હતી.

આ બનાવમાં આઇપી સુભાષ ત્રિવેદીની અને એસ. પી. સૌરભ સિંઘની સુચનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

સોમવારની રાત્રે એસઓજીના પી. આઇ. જે. એમ. વાળા અને તેનાં સ્ટાફે રાજકોટમાં ગ્રીનલેન ચોકડી ખાતેથી આરોપી પંકિત ઉર્ફે રવિ અને તેના પિતા સંજયભાઇ મધુસુદનભાઇ બ્રાહ્મણની ધરપકડ કરી હતી. બંને પાસેથી પોલીસે ધારીયુ અને બનાવ વખતે પહેરેલા કપડા કબ્જે કર્યા હતાં.

આ ગુનામાં ફરાર હારૂન આમદ, ધાર્મિક રાજેશભાઇ અને અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા માટે તપાસનીશ પી. આઇ. આર. બી. સોલંકીએ ગઇકાલે પિતા-પુત્રને ગઇકાલે ત્રણ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરેલ.

અદાલતે આરોપીઓનાં એક દિવસનાં પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કરેલ.

દરમ્યાન એસ.પી. સૌરભ સિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે અને નજીકના સમયમાં તમામની ધરપકડ કરી લેવામાં આવશે.

(1:18 pm IST)