Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સોમનાથ-વેરાવળ હાઈવે રોડ ઉપર રોડ સાઈડમાં ધૂળના થરથી બાઈક સ્લીપ થવાના બનાવો

તસ્વીરમાં રોડ ઉપર ધૂળના થર પડેલા જોવા મળે છે (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ-પ્રભાસપાટણ)

પ્રભાસપાટણ, તા. ૨૨ :. સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની ભીડીયા જી.આઈ.ડી.સી.થી વેરાવળ જતા આખાય રસ્તાની સાઈડમાં ધૂળના થરથી વાહનચાલકો પરેશાન અને વાહનો અને ચાલક ધૂળ-ધૂળથી ભરાય જાય છે તે રસ્તા ઉપર આવેલ દુકાનોના વેપારીઓ પણ ભરઉનાળાની ગરમીમાં ઉડતી ધૂળથી પરેશાન થાય છે અને વારંવાર ઝાટક-ઝાટક માલસામાનને કરવા છતા માલ-સામાન ધૂળ-ધૂળ થઈ જાય છે.

સત્તાવાળાઓ આ સામે બેપરવાહ છે રસ્તો તો ડામરનો છે પરંતુ તેની બાજુની સાઈડો અવારનવાર નોખા-નોખા કામસર ખોદી ધૂળ યથાવત રહેવા દીધી છે. ડીવાઈડર ઉપર પણ વૃક્ષ વાવવાને બદલે આખેઆખા ખાલી રેતી જેવી ધૂળથી ભરેલા છે.

નગરપાલિકા ઓછા કર્મચારીઓથી થાગડ-થીગડ હલાવે છે જેથી કર્મચારીઓની સંખ્યા વધારવી જોઈએ તેમજ પ્રભાસપાટણમાં દિન-પ્રતિદિન ગંદકી વધતી રહે છે. ધોરીયાઓની સફાઈ સંતોષકારક થતી નથી ગટરના પાણી રોડ ઉપર છલકાય છે, ગટર ઉપર કરેલ દબાણ કે લાકડા કસ્તર કે પથ્થરોના ઢગલાઓ હટાવવા પોતાની સત્તાનો ઉપયોગ કરતા નથી. લોકો સફાઈ વેરો ભરે છે પરંતુ પુરતા પ્રમાણમાં સફાઈ થતી નથી.

કચરો ઉપાડવા ખખડધજ રીક્ષા નાની નીકળે છે એ રીક્ષા જાણે ૧૦૮ નિકળતી હોય તેમ ઝડપથી સાયરન વગાડતી ભાગતી જાય છે. લોકોને કચરો નાખવા મોટી ઉંમરે પણ દોડવુ પડે છે અને આ રીક્ષા શેરીઓમાં સરખી રીતે ઉભતી નથી.

(11:39 am IST)