Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જખૌ-પોરબંદરના રસ્તે માછીમારોના ઓઠા તળે ડ્રગ્સની હેરાફેરી

ડ્રગ્સ સાથે ઝડપાયેલા ૬ પાકિસ્તાનીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોઃ ૬૦૦ કરોડનું હેરોઇન લઈ આવનાર ૬ પાકિસ્તાનીઓની જખૌમાં એજન્સીઓ દ્વારા પૂછપરછ, હવે 'ઉડતા ગુજરાત',દેશના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવાનું આઈએસઆઈનું ખોફનાક કાવતરું

ભુજઃ તસ્વીરમાં ઝડપાયેલા આરોપીઓ બોટ તથા સુરક્ષા એજન્સીની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા ભુજ)

ભુજ, તા.૨૨:  ગઈકાલે કોસ્ટગાર્ડ દ્વારા જખૌના દરિયામાંથી ઝડપાયેલા ૬૦૦ કિલો ડ્રગ્સ પકડી પાડવાની ઘટનાને કોસ્ટગાર્ડના વેસ્ટર્ન કમાન્ડના એડિશનલ ડાયરેકટર કે. નટરાજને સમર્થન આપ્યું છે. ૬૦૦ કિલો ડ્રગ્સ જે હેરોઇન હોવાનું મનાઇ રહ્યું છે, (જેની ડ્રગ્સ બજારની કિંમત પ્રમાણે ૬૦૦ કરોડ) તે પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે.

જોકે, બધી બાબતોની સતાવાર પુષ્ટિ નથી મળી, પણ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે, તે ચોંકાવનારી છે. આઈએસઆઈ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ મારફતે ભારતીય યુવા પેઢીને નશાના રવાડે ચડાવવાનું ટાર્ગેટ બનાવી રહી છે. ગુજરાત સહિત દેશના અનેક નાના મોટા શહેરોમાં હુક્કા બાર ઉપરાંત રેવ પાર્ટીઓનું યુવા વર્ગમાં વધતું જતું ચલણ એ બતાવે છે કે ભારતમાં હવે ડ્રગ્સનો પંજો ફેલાઈ રહ્યો છે.

પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા ઓપરેશન ડ્રગ્સ મારફતે 'ઉડતા ગુજરાત' દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડ્યંત્ર ઘડાયું છે, તેમાં માછીમારોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ગઈકાલે ૬૦૦ કિલો હેરોઇન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાની માછીમારોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જોકે, ભારતીય એજન્સીઓને ડ્રગ્સ દ્યુસાડવાનું આ ઇનપુટ બીએસએફે બે દિવસ પહેલા કચ્છના ક્રિક વિસ્તારમાંથી બોટ સાથે ઝડપાયેલા બે પાકિસ્તાની માછીમારોની પૂછપરછમાંથી મળ્યું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ જખૌ-પોરબંદર ની આંતરરાષ્ટ્રીય જળસીમાં માં માછીમારી કરતા પાકિસ્તાનના માછીમારોની ખાલી બોટ મોકલે છે. માછીમારી કરતી બોટ ઉપર કોઈ શંકા ન જાય એટલે ડ્રગ્સ માફિયાઓ આ મોડ્સ ઓપરેન્ડી અજમાવે છે. ખાલી બોટ જો કોઈ પણ જાતની રોકટોક વગર ભારતીય જળસીમામાં દ્યુસી ગઈ તો તરત જ ડ્રગ્સ માફિયાઓ અન્ય માછીમારી બોટ દ્વારા ડ્રગ્સ લઈને ભારતીય જળસીમામાં પ્રવેશીને પોતાના ડ્રગ્સનો જથ્થો અન્ય ભારતીય માછીમારોની બોટમાં ટ્રાન્સફર કરી દે છે. આમ જખૌ અને પોરબંદરના દરિયામાં ઠલવાયેલું ડ્રગ્સ ગુજરાત, મુંબઇ, દિલ્હી, પંજાબ ઉપરાંત ભારતના અન્ય શહેરોમાં પહોંચે છે.

ડ્રગ્સ માફિયાઓ અને કોસ્ટગાર્ડ વચ્ચે દરિયામાં દિલધડક રેસ

કોસ્ટગાર્ડે ડ્રગ્સનો જથ્થો ઝડપવા એક જહાજ, એક વિમાન ઉપરાંત બે ઇન્ટર સેપટર બોટને જખૌ-પોરબંદરના દરિયામાં ઉતારીને આખું ઓપરેશન પાર પાડ્યું હતું. એક તબકકે દરિયામાં રહેલ પાકિસ્તાની બોટે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પણ, ભારતીય કોસ્ટગાર્ડની બે બોટે ફિલ્મી ઢબે દરિયામાં પાકિસ્તાની બોટને આંતરી લીધી હતી.

ઉપર વિમાન મારફતે પાકિસ્તાની બોટની તમામ હીલચાલ જીપીએસ સિસ્ટમ દ્વારા નીચે બોટમાં તૈનાત કોસ્ટગાર્ડના જવાનોને અપાતી હતી. ઘેરાઈ ગયા બાદ એક તબક્કે આ પાકિસ્તાનીઓએ દરિયામાં ડ્રગ્સ ફેકવાનું શરૂ કર્યું હતું. જીકે, કોસ્ટગાર્ડે દરિયામાં ફેંકાયેલા ૭ પેકેટ જપ્ત કર્યા હતા. કુલ ૧૯૪ પેકેટ્સ કે જેમાં ૬૦૦ કિલો હેરોઇન છે તે તમામ જથ્થો જપ્ત કરાયો છે. અત્યારે અજ્ઞાત સ્થળે આ તમામ ૬ પાકિસ્તાનીઓની ભારતીય એજન્સીઓ દ્વારા સયુંકત પૂછપરછ કરાઈ રહી છે.

(11:36 am IST)