Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સુજલામ સુફલામમાં ૩૧ મીએ ગોંડલમાં રાજયકક્ષાનો કાર્યક્રમઃ પ્રજન્ય યજ્ઞ થશેઃ ૨૫૦ કામો પુરા કરી લેવાયા

સ્ટાફની ઘટ છેઃ એઇમ્સ-હિરાસર એરપોર્ટ હવે રાજયકક્ષાનો પ્રશ્નઃ ઇશ્વરીયા પાર્કમાં હોલનું ભાડુ હવે નકકી થશે : સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં લોકમેળોઃ આ અંગે ટુંકમાં મીટીંગઃ કલેકટર દરરોજ સવારે ૧૦II વાગ્યામાં હાજરઃ સ્ટાફ પણ વહેલો આવવા માંડયો : સુચિત-યુએલસી માં કામગીરી ચાલુ છેઃ વિદ્યાર્થીઓને દાખલા અંગે નિયમો મુજબ કામગીરી કરવા સુચના અપાઇ છેઃ કલેકટર રાહુલ ગુપ્તાની પત્રકારો સાથે વાતચીત

રાજકોટ તા.૨૨: રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, આગામી ૩૧મીએ ગોંડલમાં સૂજલામ-સૂફલામઅપાણી યોજનાનો રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાય તેવી શકયતા છે, હાલ ફાઇનલ નથી પણ ૯૫ ટકા સંમતિ મેળવી લેવાઇ છે, તેમજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ ગોંડલમાં યોજવા અંગે ફાઇનલ કરી લેવાયું છે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે સુજલામ-સુફલામ અંતર્ગત ગોંડલ પંથકના કોઇપણ એક ગામમાં પ્રજન્ય યજ્ઞ કરાશે, આ માટે તૈયારીઓ ચાલી રહી છે.

જિલ્લામાં તળાવો- ચેકડેમો ઉંડા ઉતારવા અંગે કુલ ૪૫૦ થી ૫૦૦ માંથી ૨૫૦ થી વધુ કામો પુરા કરી લેવાયા છે.

સ્ટાફ અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, સ્ટાફની કામગીરી સારી છે, સ્ટાફની ઘટ છે, એ પણ હકીકત છે, પરંતુ આગામી અઠવાડીયામાં તે પણ પુરી કરી લેવાશે.

તેમણે ઉમેર્યુ હતું કે પોતે દરરોજ સવારે ૧૦ાા વાગ્યે કચેરીમાં હાજર હોવ છું, અને તેની સારી અસર રૂપે સ્ટાફ પણ વહેલો આવવા માંડયો છે.

 એઇમ્સ અંગેતેમણે ઉમેર્યુ હતું કે તે રાજય સરકારની બાબત છે, હિરાસર એરપોર્ટમાં હવે કલેકટરતંત્રે કશુ કરવાનું  નથી, હવે તે પણ રાજય સરકારનો પ્રશ્ન છે.

ઇશ્વરીયા પાર્ક અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, પોતે ટુંક સમયમાં ત્યાં જશે, અને જરૂરી પ્રોજેકટો નિહાળી તે અંગે નિર્ણય લેવાશે, બની રહેલા બે પાર્ટીપ્લોટ અને કોમ્યુનિટી હોલના ભાડા અંગે કમીટી ની મીટીંગ યોજી ભાડુ નક્કી કરી લેવાશે.

લોકમેળા અંગે તેમણે પત્રકારો પાસેથી વિગતો જાણી હતી, અને આગામી સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં લોકમેળો યોજવા અંગે નિર્દેશ આપી આ અંગે ટુંકમાં મીટીંગ યોજાશે તેમ ઉમેર્યુ હતું.

 આગામી ૨૧ જુન વિશ્વ યોગા દિન અંગે તેમણે જણાવ્યું હતું કે, કોઇ રેકોર્ડ અંગેનો કાર્યક્રમ નહી થાય, પરંતુ રાજય સરકારની સૂચના મુજબ કામગીરી થશે.

યુએલસી-સૂચિત અંગે તેમણે ઉમેર્યુ હતું કે એમાં કામગીરી ચાલુ છે, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને દાખલામાં મામલતદાર-સમાજકલ્યાણ અધિકારી નિયમો મુજબ કામગીરી કરશે, તુમાર-નિકાલ-મહેસુલ રિકવરી ઝડપી બનાવવા અંગે પણ સૂચના અપાયાનું તેમણે ઉમેર્યુ હતું.

(4:19 pm IST)