Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ઉનાઃ સોશ્યલ મીડિયા અભદ્ર ઉચ્ચારણો કરનાર સામે પગલા લેવા માગણી

ગોસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ દશનામ સેના તથા બ્રહ્મસમાજ દ્વારા આવેદન

ઉના, તા. ૨૨ :. ગોસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઈન્ડીયા દશનામ સેના-ઉના તથા બ્રહ્મસમાજ દ્વારા સોશ્યલ મીડિયા ફેસબુક ઉપર ઉપર સાધુ, બ્રાહ્મણો, કથાકારો વિશે અભદ્ર ઉચ્ચારણ કરનાર શખ્સ સામે પગલ ભરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો.

ગોસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઈન્ડીયાના પ્રતિનિધિ ગૌરાંગ પર્વત જે. ગોસ્વામી, સુંદરપરી કાનપરી ગોસ્વામી, જોષી ચંદ્રેશકુમાર સેતા - ગીર સોમનાથ બ્રહ્મસમાજ યુવા પાંખ તથા કિશન મહેતા, સંદીપ વી. ગોસ્વામી વિગેરે આગેવાનો ઉના પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારીને લેખીતમાં રજૂઆત કરી છે કે ગોપાલ ઈટાલીયા નામના શખ્સે ફેસબુક તથા વોટસએપમાં વિડીયો વાયરલ કરી જાહેરમાં કથાકારો, બ્રાહ્મણો, સાધુ સમાજ જેવી જ્ઞાતિનો ઉલ્લેખ કરીને નિવેદન તથા હલકા ઉચ્ચારણો કરી ઉતારી પાડવા પ્રયત્નો કરતા ધાર્મિક લાગણી દુભાણી છે.

આ બનાવને વખોડી કાઢી ભારતીય બંધારણ અધિનિયમ ૧૯૪૭ કલમ ૨૬ મુજબ ધાર્મિક સ્વતંત્રતાના હક્કોનુ ખંડન કરનાર, વિરોધ કરનાર સામે પગલા ભરવા માંગણી કરી હતી. ભવિષ્યમાં કોઈપણ જ્ઞાતિ કે સમાજ વિરૂદ્ધ ટીપ્પણી ન કરે તેથી કડક પગલા લેવા સાથે આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

(12:08 pm IST)