Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ગીર નેશનલ પાર્કના શિંગોડા ડેમને ઊંડો ઉતારવાનું કામ બંધ કરો : હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી : કાલે સુનાવણી

વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ (૧૯૭૨)ની જોગવાઇનો ભંગ થાય છે

અમદાવાદ તા. ૨૨ : રાજય સરકાર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત ગીર નેશનલ પાર્કમાં આવેલા શિંગોડા ડેમને ઉંડો ઉતારવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) એટલે કે જાહેર હિતની અરજી થઇ છે.

રાજકોટનાં રહેવાસી અને પર્યાવરણનાં રક્ષણ માટે કાર્યરત શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના વકીલ નંદીશ ઠક્કર મારફતે આ મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી મામલે હાઇકોર્ટ બુધવારે સુનાવણી હાથ ધરે તેવી શકયતા છે.

આ જાહેર હિતની અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, શિંગોડા ડેમ ગીર નેશનલ પાર્કમાં આવેલો છે અને શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરીથી એશિયાટીક સિંહો, મગરો જેવાં વન્યપ્રાણીઓના રહેઠાણોને મોટું નુકશાન થશે. કેમ કે, ડેમને ઉંડો ઉતારવાની કામગીરી માટે ટ્રેકટરો અને જીસીબી મશીનો નેશનલ પાર્કમાં અંદર પ્રવેશ કરી રહ્યાં છે. આ કામગીરીમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ (૧૯૭૨)ની જોગવાઇનો ભંગ થાય છે અને આ કામગીરી કરતા પહેલા કાયદમાં જણાવેલી જરૂરી પ્રક્રિયાને અનુસરવામાં આવી નથી. આથી અરજદારે દાદ માંગી છે કે, સરકારના જે વિભાગ દ્વારા શિંગોડા ડેમને ઉંડો કરવા માટે મંજુરી આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરવામાં આવે.

જાહેર હિતની અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, શિંગોડા ડેમને ઉંડો કરવાની કામગીરી માટે વાઇલ્ડલાઇફ પ્રોટકેશન એકટ(૧૯૭૨)ની જોગવાઇઓ મુજબ જે ઓથોરિટીની મંજુરી લેવાની હોય છે તે લેવામાં આવી નથી.

(11:56 am IST)