Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

નવું બૂલેટ લીધું હોઇ અમદાવાદથી ચોટીલા દર્શન કરવા આવેલા સુથાર પ્રોૈઢનું અકસ્માતમાં મોત

ચોટીલા પાસે કારની ટક્કર લાગતાં ફંગોળાયાઃ હસમુખભાઇ રાવલીયા (ઉ.વ. ૫૫)એ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં કલ્પાંતઃ કાર ચાલક બોટાદના વિશાલ પ્રજાપતિનો કપાળમાં ઇજા સાથે બચાવ

રાજકોટ તા. ૨૨: ચોટીલા નજીક કાર સાથે અથડાઇને બૂલેટ ફંગોળાઇ જતાં બૂલેટના ચાલક અમદાવાદના વઇ સુથાર પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. તેમણે નવું બૂલેટ ખરીદ કર્યુ હોઇ દર્શન કરવા માટે ચોટીલા આવતી વખતે આ બનાવ બન્યો હતો. કાર ચાલક બોટાદના પ્રજાપતિ યુવાનને પણ કપાળ પર ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ અમદાવાદ સોલા બ્રીજ ગોતા રોડ પર રહેતાં હસમુખભાઇ મુળજીભાઇ રાવલીયા (ઉ.૫૫) નામના સુથાર પ્રોૈઢ રાત્રે પોતાનું બૂલેટ હંકારી અમદાવાદથી ચોટીલા આવી રહ્યા હતાં. રાત્રીના સાડા ત્રણેક વાગ્યે ચોટીલાના અજમેરા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા ત્યારે કાર નં. ૨૫૮૫ની ઠોકર લાગી જતાં ફંગોળાઇ ગયા હતાં. બીજી તરફ કાર પણ રોડ સાઇડમાં ઢસડાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં હસમુખભાઇને ગંભીર ઇજા થઇ હતી અને કાર ચાલક બોટાદના વિશાલ મનસુખભાઇ પાટડીયા (ઉ.૨૬)ને કપાળે ઇજા થઇ હતી. બંનેને ચોટીલા હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ હસમુખભાઇએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં રાજકોટ રહેતાં ભાણેજ વિમલભાઇ રતિભાઇ સુદ્રા સહિતના હોસ્પિટલે દોડી આવ્યા હતાં. અમદાવાદથી મૃતકના પુત્ર સહિતના સ્વજનો પણ રાજકોટ પહોંચ્યા હતાં.

મૃત્યુ પામનાર હસમુખભાઇ સુથારી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બે ભાઇમાં નાના હતાં અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. તેમણે નવું બૂલેટ ખરીદ કર્યુ હોઇ તે કારણે ચોટીલા ખાતે દર્શન કરવા આવી રહ્યા હતાં ત્યારે ચોટીલા નજીક જ કાળ ભેટી ગયો હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:31 am IST)