Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોરબી સરકારી આંકડા મુજબ કોરોના થી 3ના મૃત્યુ, જ્યારે ફાયરે 14ની અંતિમવિધિ કરી.

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર 66 કેસ જ દર્શાવ્યા :સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4621 કેસમાંથી 3640 સાજા થયા, જ્યારે આજે સરકારી આંકડા મુજબ વધુ 3 દર્દીના મૃત્યુ સાથે કુલ 306ના મોત, એક્ટિવ કેસ વધીને 675 થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે 22 એપ્રિલ, ગુરુવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2151 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 66 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.જ્યારે આજે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ 3 કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેમજ આજે સત્તાવાર મોરબી જિલ્લામાં 3 કોવિડ ડેથ જાહેર કર્યા છે.
જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ 14 ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 15

મોરબી ગ્રામ્ય : 16
વાંકાનેર સીટી : 04
વાંકાનેર ગ્રામ્ય : 02
હળવદ સીટી : 07
હળવદ ગ્રામ્ય : 08
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 10
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 04
આજના જિલ્લાના કુલ નવા કેસ : 66
આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત
મોરબી તાલુકામાં : 09
વાંકાનેર તાલુકામાં : 05
હળવદ તાલુકામાં : 09
ટંકારા તાલુકામાં : 06
માળીયા તાલુકામાં : 04
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 33
આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત
કુલ એક્ટિવ કેસ : 675
કુલ ડિસ્ચાર્જ કેસ : 3640
મૃત્યુઆંક : 37 (કોરોનાના કારણે) 269 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 306
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 4621
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 243873

(10:39 pm IST)