Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મોરબીમાં રેમડીસીવરની રામાયણ : કલેકટરના બંગલા બાદ વી.સી. હાઈસ્કૂલમાં દર્દીઓના સગાઓનો હંગામો

કલેકટરના બંગલે ધરણા પર બેઠેલા લોકોને પોલીસે વીસી હાઈસ્કૂલમાં ખસેડયા બાદ ત્યાં પણ રોષ ઠાલવ્યોઃ દર્દીઓને રેમડીસીવર યોગ્ય રીતે મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૨: મોરબીમાં રેમડીસીવરની ચાલી રહેલી માથાકૂટ વધુ ઉગ્ર બની હતી આજે રેમડીસીવર ન આપવાની જાહેરાત થતા દર્દીઓના સગાઓએ કલેકટર બંગલા પાસે ઘરણા કર્યા હતા. આથી, પોલીસે દોડી જઈને આ લોકોને સમજાવીને વી.સી. હાઈસ્કૂલમાં ખસેડયા હતા અને ત્યાં પણ લોકોએ હંગામો મચાવ્યો હતો. આખરે દર્દીઓને રેમડીસીવર યોગ્ય રીતે મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે.

મોરબીમાં સોમવારથી વીસી હાઈસ્કૂલમાં દર્દીઓને રેમડીસીવર ઇજકેશનો આપવાનું નક્કી કર્યા બાદ ગઈકાલે અમુક જ જથ્થો લોકોને આપીને મોટાભાગનો જથ્થો હોસ્પિટલોને ફાળવી દેવાતા અનેક દર્દીઓ નિરાશ થઈને ખાલી હાથે પરત ફર્યા હતા. ત્યારે આજે રેમડીસીવર મળશે એ આશાએ મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી વી.સી. હાઈસ્કૂલમાં ઉમટી પડ્યા હતા. ત્યારે અચાનક જ તંત્રએ ગઇરાત્રેથી રેમડીસીવરનું વિતરણ બંધ કરી દેવાનો નિર્ણય જાહેર કરી દેતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. આથી, વહેલી સવારથી વી.સી. હાઈસ્કૂલમાં લાઈનો લગાવીને ઉભેલા લોકોને રેમડીસીવરનું વિતરણ ન થવાનું હોવાની ખબર પડતાં રોષે ભરાયેલા લોકો ત્યાંથી કલેકટરના બંગલા પાસે દોડી જઈને ધરણા કર્યા હતા. જેના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો.

પોલીસે ધરણા પર બેઠેલા લોકોને સમજાવીને વી.સી. હાઈસ્કૂલમાં મોકલ્યા હતા. ત્યાં પણ લોકોએ હંગામો મચાવ્યો હતો. આથી, એ અને બી ડિવિઝન પી.આઇ. સહીતનો પોલીસ સ્ટાફ અને ડીવાયએસપી રાધીકા ભારાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમાં રેમડીસીવરના કાળા બજાર કરતા લેભાગુઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી અને દર્દીઓને રેમડીસીવર મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાની હેઠળ કલેકટર કચેરીએ રજુઆત કરવા જવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે વી.સી. હાઇસ્કુલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ત્યાં રેમડીસીવર અનિવાર્ય સંજોગોના કારણે મળી શકશે નહીં તેવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

(12:52 pm IST)