Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ધ્રોલ સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે સારવાર-ઓકિસજનની વ્યવસ્થા પરંતુ સ્ટાફની અછત

દર્દીઓને સમયસર સારવાર આપવામાં વિલંબઃ સુવિધા આપવા માંગણી

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. રર :.. કોરોનાની મહામારી દિવસે દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી જાય છે. ધ્રોલ શહેર અને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ના કેસો અને મૃત્યુ આંક સતત વધતો જાય છે. ત્યારે ધ્રોલ ખાતે સરકારી હોસ્પીટલ ખાતે કોરોનાના દર્દીઓને પ્રાથમિક - સારવાર તેમજ ઓકસીજન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે.

ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે હાલમાં ર૩ બેડની કેપેસીટી ધરાવે છે. જેમાં હાલમાં ૧પ બાટલાઓ દ્વારા ઓકસીજન આપવાની કામગીરી ચાલુ છે. હોસ્પીટલમાં હાલમાં ઓકસીજનના બાટલા માટે જરૂરી મીટર અને નળીનો મર્યાદીત સ્ટોક હોય તે ઓકસીજનની, બોટલ હોવા છતાં પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી.

ધ્રોલ ખાતે ઓકસીજન આપવા માટેના જરૂરી સાધનો આઠ - આઠ દિવસથી શરૂ થયેલ છે. તેમ છતાં સરકારી ડીપાર્ટમેન્ટ તરફથી આ સાધનો પુરા પાડવામાં આવેલ નથી. જે તાકીદે સાધનો પુરા પાડવામાં આવે તે જરૂરી છે. કારણ કે અન્ય દર્દીઓને ઓકસીજન આપી શકાતો નથી. ત્યારે આવા દર્દીઓને અન્ય જગ્યાએ જવુ પડે છે.

અત્રેની સરકારી હોસ્પીટલમાં ઘણાં જ સમયથી ચાર નર્સીંગ સ્ટાફ, ત્રણ ડોકટરો તથા પટાવાળા સહિતનો સ્ટાફ ઘટે છે. ત્યારે આવા કપરા સમયમાં તાકીદે આ ઘટતા સ્ટાફની નીમણુંક કરવી જરૂરી છે.

હાલમાં જે સ્ટાફ છે તેને રૂટીન કામગીરી તથા ઓપીડીની કામગીરી પણ કરવાની રહે છે. ત્યારે આ કોવિડ કેર સેન્ટર શરૂ થતા આ જ સ્ટાફ દ્વારા કામ ચલાવવુ પડે છે. ત્યારે કોરોના દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર આપવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. તેમજ હોસ્પીટલ ખાતે માત્ર એક જ એમ્બ્યુલન્સ હોવાથી અન્ય એમ્બ્યુલન્સની સુવિધા વધારવી પણ જરૂરી છે.

ધ્રોલ ખાતેની સરકારી હોસ્પીટલમાં તાકીદે જરૂરી સ્ટાફ તથા યોગ્ય સવલતો આપવામાં આવે તે અંગે જીલ્લાના આગેવાનો તથા આરોગ્ય વિભાગ તરફથી યોગ્ય વ્યવસ્થા તાકીદે કરવામાં આવે તેમ અત્યંત જરૂરી છે.

(12:44 pm IST)