Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

જુનાગઢમાં ગાઇડલાઇનનું પાલન કરાવવા પોલીસે નવી રીત અપનાવી : કર્ફયુ ભંગના ૪૦૫ ગુન્હા દાખલ

જુનાગઢ,તા.૨૨ : જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ એન.આર.પટેલ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઈ.રાઠોડ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, એ.કે.પરમાર, વી.આર.ચાવડા, કે.કે.મારુ, આર.પી.ચુડાસમા, એમ.આર.ગોહેલ, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સગારકા, સહિતના અધિકારીઓ તથા વિશાળ પોલીસ કાફલાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. સાથોસાથ, જૂનાગઢ વાસીઓને જાગૃત કરવા વિસ્તારમાં વેપારીઓ તથા પ્રજાને જાગૃત કરી, સરકારશ્રીની ગાઈડ લાઇનનું પાલન કરવા સમજાવવાની નવી રીત પણ અખત્યાર કરવામાં આવેલ છે.

  જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવેલ કે, ઘણા લોકો કરફ્યુને હળવાશથી લે છે અને પોતાના ઘરે રાત્રીના કલાક ૮.૦૦ વાગ્યે પહોંચવાના બદલે કોઈના કોઈ બહાના બતાવી, રાત્રીના કલાક ૮.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી ઘરે જવાના બહાને બજારમાં રખડતા હોય છે. જે માહિતી આધારે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ, બી, સી ડિવિઝન અને તાલુકા તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા જુદી જુદી પોલીસ ટીમ બનાવી, શહેર વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી, રાત્રીના ૮.૦૦ વાગ્યે ઘરે નહીં પહોંચેલા ઇસમોને પકડી પાડી, ધરપકડ કરી, જાહેરનામાં ભંગના ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. ઉપરાંત ઇસમોના વાહનો ડિટેઇન કરી, વાહનો કબજે કરી, મેમો ઇસ્યુ કરવામાં આવેલ છે. આ કરફ્યૂના અમલ કરાવવાની ઝુંબેશ માટે પોલીસ ટીમો કલાક ૭.૩૦ થી પોઇન્ટ ઉપર ગોઠવાઈ જાય છે અને રાત્રીના ૮.૦૦ વાગ્યાથી કરફ્યુ હોવા છતાં પોતાનો કામ ધંધો મોડે સુધી કરી, સમયસર ઘરે નહીં પહોંચતા લોકોને પકડી પાડવામાં આવતા, ઘણા ઈસમો હવે પોતાના કામ ધંધા ઉપરથી ૭.૩૦ વાગ્યે નીકળી જાય છે.

સામાન્ય રીતે પ્રજામાં ગંભીરતા આવેલ છે અને કરફ્યુનો અમલ પણ કરવા લાગેલ છે પરંતુ, અમુક લોકો હજુ પણ સમજતા ના હોય તેવા લોકોને પાઠ ભણાવવામાં આવતા, કરફ્યુ બાબતે પણ લોકો ગંભીરતા રાખી, ૮.૦૦ વાગ્યા પહેલા પોતાની જગ્યાએ પહોંચી જવા મજબૂર બન્યા હતા. તેમ છતાં, કાયદાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી, જૂનાગઢ ડિવિઝનમાં રાત્રી કકરફ્યુ જાહેર થયા બાદ તા.૦૭.૦૪.૨૦૨૧ થી આજદિન સુધી, જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કરફ્યુ ભંગના કુલ ૪૦૫ ગુન્હાઓ દાખલ કરી, આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરાંત, માસ્ક ના પહેરનાર ૯૨૧ ઈસમોને પકડી પાડી, રૂ. ૯,૨૧,૦૦૦/- નો દંડ કરવામાં આવેલ છે તેમજ ૧૭૧ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. 

આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જુનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુના અમલ કરાવવા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, કડક હાથે કામ લેવા આયોજન કરવામાં આવેલ હોઈ, લોકોના સ્વાસ્થ્ય અંગે માસ્ક પહેરવું, સરકારશ્રીની ગાઈડ લાઇનનું પાલન અને રાત્રી કરફ્યુ જરૂરી હોઈ, લોકોને રાત્રી દરમિયાન પોત પોતાના ઘરમાં જ રહેવા અને કરફ્યુ ભંગ કરી, કાયદાકીય કાર્યવાહીથી બચવા, જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવેલ છે. આ કાર્યવાહી સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ ૩૦ એપ્રિલ સુધી સતત ચાલુ રાખવામાં આવશે.

(11:45 am IST)