Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ભુજથી બોટાદ જતી કાર પલટી મારી જતાં એકનું મોત ૫ને ઇજા

મુળ બોટાદનો પરિવાર રાણપુરના અળવ ગામે માતાજીના દર્શને જતો હતો

ભુજ,તા. ૨૨: કચ્છના સામખિયાળી સૂરજબારી વચ્ચે કાર પલ્ટી મારી જતાં કારમાં સવાર એક નું મોત નિપજયું હતું જયારે પાંચને ઈજાઓ થઈ હતી. મૂળ બોટાદના અને હાલે ભુજના નાડાપા ગામે રહેતા ૩૨ વર્ષીય ભૂપેન્દ્ર કેશભાઇ પરમાર (વાલ્મીકિ) તેમના પત્ની, પુત્ર, પુત્રી તેમ જ કાકા, કાકી સાથે પોતાને વતન બોટાદ જિલ્લાના રાણપુર તા.ના અળવ ગામે માતાજીના દર્શને જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પલ્ટી ખાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ભુપેન્દ્રભાઈનું અરેરાટીભર્યું મોત નિપજયું હતું. જયારે તેમના પત્ની જયોતિબેન, બે નાના બાળકો દેવરાજ, વંદના, કાકા પ્રવિણભાઇ, કાકી રમીલાબેન ને ઈજાઓ પહોંચી હોઈ તેમને સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)